ભારતની મહિલા ક્રિકેટ ટીમ આ વર્ષના અંતમાં પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ રમશે. આ મેચ ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સેક્રેટરી જય શાહે ગુરુવારે આ ખુલાસો કરતા કહ્યું હતું કે, “મહિલા ક્રિકેટ પ્રત્યેની મારી પ્રતિબદ્ધતાને આગળ વધારતાં મને એ જાહેરાત કરવામાં ખૂબ આનંદ થાય છે કે ટીમ ઇન્ડિયા મહિલા ક્રિકેટ ટીમ આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં તેની પ્રથમ પિંક બોલ ડે-નાઇટ ટેસ્ટ રમશે. ” ભારતની મહિલા ક્રિકેટ ટીમ પણ આ વર્ષે જૂનમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમવાની છે. છેલ્લા સાત વર્ષમાં મહિલા ટીમની આ પ્રથમ ટેસ્ટ હશે. અત્યાર સુધી મહિલા ક્રિકેટના ઈતિહાસમાં માત્ર એક જ ટેસ્ટ મેચ પિંક બોલ થી રમાઈ છે. પિંક બોલ ટેસ્ટ 2017માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચ ડ્રો રહી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આવતા મહિને ઈંગ્લેન્ડના પ્રવાસે જઈ રહી છે. ભારતીય ટીમ 16 જૂનથી ઈંગ્લેન્ડ સામે પોતાની એકમાત્ર ટેસ્ટ મેચ રમશે. ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા ટીમે 2014માં પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. ત્યારબાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે ત્રણ વન ડે અને ટી-20 શ્રેણી રમશે.
બીસીસીઆઈએ બુધવારે ઓક્ટોબર ૨૦૨૦ થી સપ્ટેમ્બર ૨૦૨૧ ના સમયગાળા માટે મહિલા સિનિયર ક્રિકેટ ટીમના ખેલાડીઓ માટે વાર્ષિક કરારની જાહેરાત કરી હતી. યુવા બેટ્સમેન શેફાલી વર્માને બઢતી આપવામાં આવી છે. તેમને ગ્રેડ સીમાંથી ગ્રેડ બીમાં મૂકવામાં આવી છે. પૂનમ રાઉત અને રાજેશ્વરી ગાયકવાડને પણ ગ્રેડ સીથી ગ્રેડ બીમાં બઢતી આપવામાં આવી છે.
ટી-20કેપ્ટન હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને પૂનમ યાદવને ગ્રેડ એ માં સ્થાન આપવામાં આવ્યું છે અને આ અવધિ માટે તેમને 50 લાખ રૂપિયા મળશે. ગ્રેડ બીમાં મિતાલી રાજ, જુલન ગોસ્વામી, દીપ્તિ શર્મા, પૂનમ રાઉત, રાજેશ્વરી ગાયકવાડ, શેફાલી વર્મા, રાધા યાદવ, શિખા પાંડે, તાનિયા ભાટિયા અને જેમિમા રોડ્રિગ્સને આ અવધિ માટે 30 લાખ રૂપિયા મળશે. ગ્રેડ સીમાં માનસી જોશી, અરુંધતી રેડ્ડી, પૂજા વસ્ત્રકાર, હરલીન દેઓલ, પ્રિયા પુનિયા અને રિચા ઘોષને મૂકવામાં આવ્યા છે અને આ અવધિ માટે તેમને 10 લાખ રૂપિયા મળશે.તમને જણાવી દઈએ કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડના પ્રવાસે જવું પડશે. ટીમ 16 જૂનથી 15 જુલાઈ વચ્ચે એક ટેસ્ટ, ત્રણ ટી-20 અને ત્રણ વન ડે રમવાની છે.