દેશમાં કોવિડની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સેનાએ તેની હોસ્પિટલોમાં ઓક્સિજન સુવિધા વાળા બેડની સંખ્યા વધારીને 4,000 કરી દીધી છે. લશ્કરી હોસ્પિટલો અને કમાન્ડ હોસ્પિટલોમાં ઓક્સિજનથી સજ્જ બેડની સંખ્યા 1,800થી વધારીને 4,000 કરવામાં છ અઠવાડિયાનો સમય લાગ્યો હતો. તેમાંથી 93 ટકા હોસ્પિટલોમાં સેના તેના જનરેશન પ્લાન્ટમાં ઉત્પાદન કરાયેલ તબીબી ઓક્સિજનની સપ્લાય કરી રહી છે. આ માહિતી આર્મી ચીફ જનરલ એમએમ નરવણે આપી હતી. જનરલ નરવણેએ જણાવ્યું હતું કે,” સેનાએ છેલ્લા છ અઠવાડિયામાં તેની તબીબી સુવિધાઓમાં વધારો કર્યો છે. આ સમયગાળા દરમિયાન સેનાએ તેના ઓક્સિજન સ્ટોરેજ પ્લાન્ટની સંખ્યા 24થી વધારીને 42 કરી દીધી છે. પરિણામે, ૯૩ ટકા આર્મી હોસ્પિટલો અમારા દ્વારા ઉત્પાદિત કરાયેલ ઓક્સિજનનો ઉપયોગ કરી રહી છે. સેનામાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. જે અમારા બધા જવાનો ચેપ ગ્રસ્ત થયા છે તેઓ ખૂબ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે. આ અર્થમાં, અમે આરામની સ્થિતિમાં છીએ. ચેપ ગ્રસ્ત જવાનોમાં મોટી સંખ્યામાં એવા લોકો હતા જેઓ રજા પર તેમના ઘરે ગયા હતા અને ત્યાં કોઈ કારણસર તેમને ચેપ લાગ્યો હતો.” આર્મી ચીફે કહ્યું કે અમારા આગળના મોરચે તૈનાત જવાનોને કોરોનાનો ચેપ લાગ્યો નથી. કારણ કે બહારથી સરહદી વિસ્તારમાં પહોંચેલો અમારા જવાનોને ત્રણ તબક્કાની તપાસ બાદ પોસ્ટ કરવામાં આવ્યા હતા. તેથી, અમે પાકિસ્તાન અને ચીન સાથેની સરહદો પર મક્કમતાથી છીએ. જનરલ નરવણેએ જણાવ્યું હતું કે સેનાના ૯૦ ટકા જવાનોને રસી આપવામાં આવી છે. રસીકરણ પછી માત્ર ૦.૦૪ ટકા અધિકારીઓ અને કર્મચારીઓને ચેપ લાગ્યો હતો. તેમાંથી ઘણા ઓછાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હતી. એક પ્રશ્નના જવાબમાં આર્મી ચીફે કહ્યું હતું કે, નિવૃત્ત સૈનિકોને પણ સેનાની હોસ્પિટલોમાં ગંભીરતાથી સારવાર આપવામાં આવી રહી છે અને તેઓ ઝડપથી સ્વસ્થ પણ થઈ રહ્યા છે.