સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને સોમવારે કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ માટે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ની નવી દવા 2 ડીજી (2-ડિઓક્સી-ડી-ગ્લુકોઝ)ની પ્રથમ બેચ હેઠળ 10,000 ડોઝ લોન્ચ કરવામાં આવ્યા. ત્રણ પરીક્ષણો પછી, તેને 1 મે, 2021ના રોજ ડીસીજીઆઈ દ્વારા કટોકટી માટે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પાવડર સ્વરૂપે દવા પાઉચમાં આપવામાં આવશે જેને પાણીમાં ઓગાળવી પડશે. તે ચેપગ્રસ્ત કોશિકાઓને અસર કરી વાયરસના વિકાસને રોકવામાં સક્ષમ છે. સંરક્ષણ પ્રધાનની ઓફિસ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા ટ્વીટમાં આ વાત કહેવામાં આવી છે. એવી માહિતી આપવામાં આવી હતી કે આ દવાનો પહેલો જથ્થો સંરક્ષણ પ્રધાન આજે સવારે ૧૦.૩૦ વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે બહાર પાડશે. આ દવા ડો.રેડ્ડી લેબના સહયોગથી ડીઆરડીઓની ન્યુક્લિયર મેડિસિન ઇન્સ્ટિટ્યૂટ એન્ડ એલાઇડ સાયન્સિસ (INMAS) દ્વારા વિકસાવવામાં આવી છે. આ દવા કોવિડ-19 દર્દીઓની ઝડપી રિકવરીમાં મદદ કરશે
રોગચાળાની પ્રથમ લહેર દરમિયાન એપ્રિલ 2020માં, INMAS-DRDO વૈજ્ઞાનિકોએ CCMB (Centre for Cellular and Molecular Biology) હૈદરાબાદની મદદ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારે જ તેમને જાણવા મળ્યું હતું કે આ ફોર્મ્યુલાઓ સાર્સ-કોવી-2 વાયરસ પર અસરકારક છે અને તેને વધતું રોકવા માટે સક્ષમ છે. આ પરિણામોના આધારે, ડીસીજીઆઈએ મે, 2020માં તેના ફેઝ 2 ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપી હતી. ગયા વર્ષે ટ્રાયલનો બીજો તબક્કો મે થી ઓક્ટોબર સુધી ચાલ્યો હતો અને ખૂબ સારા પરિણામો મળ્યા હતા. આ ટ્રાયલ બે ભાગમાં હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રથમ તબક્કે દેશની 6 હોસ્પિટલોને અને બીજી વખત 11 હોસ્પિટલોને આવરી લેવામાં આવી હતી. આ દવા ૧૧૦ દર્દીઓને આપવામાં આવી હતી અને અસરકારક પરિણામો મળ્યા હતા. આ બાબતને ધ્યાનમાં રાખીને ડીસીજીઆઈએ ત્રીજી ક્લિનિકલ ટ્રાયલને પણ મંજૂરી આપી હતી જે ડિસેમ્બર 2020થી માર્ચ 2021 સુધી 220 દર્દીઓ પર 27 હોસ્પિટલોમાં હાથ ધરવામાં આવી હતી. આ હોસ્પિટલો દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુની છે.