ઘણા ખેલાડીઓને કોવિડ-19નો ચેપ લાગ્યા બાદ આઇપીએલ 2021 મુલતવી રાખવામાં આવ્યાને 12 દિવસ થઈ ગયા છે, પરંતુ તેની અસર હજુ પણ ખેલાડીઓ પર છે. સનરાઇઝર્સ હૈદરાબાદના વિકેટકિપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા ફરી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે જ્યારે કેકેઆરના ઝડપી બોલર કૃષ્ણા હાલ હોમ ક્વોરોંટાઇન છે. ચેન્નઈ સુપર કિંગ્સના બેટિંગ કોચ માઇક હસી અને બોલિંગ કોચ એક દિવસ પહેલા નેગેટિવ નોધાયા હતા. હસી હવે રવિવારે ઓસ્ટ્રેલિયા જઈ શકે છે. આ દરમિયાન આઇપીએલ 2021 દરમિયાન ખેલાડીઓ અને પેરામેડિક્સ સ્ટાફમાં જાગૃતિનો અભાવ હોવાના અહેવાલો આવ્યા હતા.
એક ખાનગી અહેવાલ મુજબ ઘણા ખેલાડીઓએ આઇપીએલ પહેલા કોરોના વેક્સિન લેવાનો ઇનકાર કર્યો હતો. આઇપીએલ ફ્રેન્ચાઇઝી દ્વારા ખેલાડીઓને અનૌપચારિક રીતે રસી આપવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘એથ્લીટ્સ માત્ર તેમના કારણે જ નહીં, પરંતુ તેમની ચેતનાના અભાવને કારણે રસી લેવામાં અચકાતા હતા.’ કેટલીક ફ્રેન્ચાઇઝીઓ ખેલાડીઓને રસી લેવા માટે સમજાવવામાં સફળ રહી હતી, જોકે તેમની સંખ્યા અત્યંત ઓછી હતી. રસીકરણ પછી તેમને હળવો તાવ આવી શકે છે તે હકીકતથી સાવચેત રહી, ઘણા ખેલાડીએ રસી લેવાની ઓફર નકારી કાઢી હતી. સૂત્રે કહ્યું, ‘ખેલાડીઓને લાગ્યું કે તેઓ જે બાયો બબલમાં છે તે એટલો સલામત છે કે તેમને રસી લેવાની જરૂર નથી. ફ્રેન્ચાઇઝીએ તેને પ્રોત્સાહન પણ ન કર્યું. પછી અચાનક બધું કાબૂ બહાર નીકળી ગયું.” એવું માનવામાં આવી રહ્યું છે કે વિદેશીઓ રસીઓ પ્રત્યે વધુ સભાન હતા, પરંતુ તે કાયદેસર ન હોવાથી તેમને રસી આપી શકાતી ન હતી. ‘ઘણા વિદેશીઓ, ખાસ કરીને સહાયક સ્ટાફ, રસીકરણ અંગે ઉત્સાહિત હતા, પરંતુ તેમને રસી ન આપી શકાઈ ‘ સૂત્રોએ જણાવ્યું હતું. રસીકરણની અનિચ્છા એ એક સમસ્યા હતી, પરંતુ ઘણા ફ્રેન્ચાઇઝીઓને લાગ્યું કે જ્યારે તેમને રોગચાળા દરમિયાન દિલ્હી મોકલવામાં આવ્યા ત્યારે તેઓ અત્યંત જોખમી સ્થિતિમાં હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘હા, અમે ચાર્ટર ફ્લાઇટમાં હતા, પરંતુ નાનું ખાનગી ટર્મિનલ સીઆઈએસએફ અને એરલાઇનના કર્મચારીઓથી ભરેલું હતું અને તેમની કોવિડ સ્થિતિ વિશે કોઈ જાણકારી નહોતી.’