ગુજરાતમાં રસીકરણની કામગીરી ધીમી પડી જતાં રસી લેવા માટે લાંબી લાઈનો લાગી રહી છે. પ્રજા રસી લેવા તત્પર છે, પણ સરકાર પાસે એટલો રસીનો સ્ટોક નહીં હોવાથી આ પ્રક્રિયામાં અંધાધૂંધી ફેલાઈ રહી છે. એ સંજોગોમાં ગુજરાતને 15મી મેના રોજ કેન્દ્રમાંથી મળનારો રસીનો નવો જથ્થો માત્ર 45થી વધુ ઉંમરના અને બીજા ડોઝ માટે જ ઉપયોગમાં લેવા જણાવ્યું છે, જેથી 18થી 45 વર્ષની વયનાને જૂન મહિનામાં રસી મળી શકે છે. ગુજરાતમાં મે મહિનાના આરંભની સાથે 18થી 45 વર્ષના લોકોને સાત મહાનગરો અને ત્રણ જિલ્લામાં મર્યાદિત સ્લોટમાં કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ કરાઈ છે. આ રસી કેન્દ્ર સરકાર પાસેથી મેળવીને સરકાર ફ્રીમાં આપી રહી છે, પરંતુ સમગ્ર રાજ્યમાં 18થી 45 વર્ષના લોકોને રસી આપવાની કામગીરી માટે જૂન મહિના સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિ છે. ગુજરાત સરકારે કોવિશીલ્ડ રસીના 2.50 કરોડ ડોઝ તેમજ કોવેકિસનના 50 લાખ ડોઝનો ઓર્ડર આપી દીધો છે, પરંતુ એ મુજબનો સપ્લાઇ મે મહિનાના અંત સુધી આવે એવી શક્યતા નથી. હાલ કેન્દ્ર સરકાર દ્રારા આઠ રાજ્યને અપાતા કવોટામાં ગુજરાતને દર ચાર દિવસે મળતી વેકિસનમાંથી 10 મહાનગરો–જિલ્લામાં રસી અપાઈ રહી છે. આ પ્રક્રિયા મેના અંત સુધી ચાલુ રહેશે. એ દરમિયાન બંને કંપનીઓ પાસેથી જેમ–જેમ સ્ટોક મળતો જશે તેમ તેમ અન્ય જિલ્લાઓમાં રસીકરણની કામગીરી ગોઠવાશે.
રાજ્યમાં બુધવારે કોરોનાના નવા 11,017 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં નવા કેસની સંખ્યા 3 હજારથી ઘટીને 2,795 થઈ હતી. રાહતની વાત એ છે કે રાજ્યમાં 25 દિવસ પછી મોતનો આંકડો ઘટીને 100ની નજીક થયો હતો. બુધવારે 102 લોકોના મોત થયા હતા. સુરતમાં 781, વડોદરામાં 664 અને રાજકોટમાં 335 કેસ નોંધાયા હતા. રાજ્યમાં 11 હજાર નવા કેસની સામે 15 હજાર દર્દી સાજા થયા.રિકવરી રેટ સતત વધીને 80.94% થયો.મરણાંક ઘટીને 102 થયો. 10 જિલ્લામાં એક પણ મૃત્યું નહીં.કોરોનાના હૉટસ્પૉટ અમદાવાદમાં નવા કેસ 3 હજારથી નીચે આવ્યા.એક દિવસમાં 1.87 લાખને રસી,1.45 કરોડે રસી મેળવી ચૂક્યા.
કોરોનાની ત્રીજા વેવની આગોતરી તૈયારીના ભાગરૂપે સરકારે રાજ્યના તમામ 348 સામૂહિક આરોગ્ય કેન્દ્રો (સીએચસી)માં કોરોના દર્દીઓને દાખલ કરીને ઓક્સિજન સપ્લાય સાથે સારવાર કરી શકાય તેવી સુવિધા ઊભી કરવાનો નિર્ણય કર્યો છે. આ મામલે આજે કેબિનેટ બેઠકમાં પણ ચર્ચા થઇ હતી. રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ કહ્યું કે કોરોનાના બીજા તબક્કામાં 1 લાખથી વધુ બેડની વ્યવસ્થા કરી છે, જેમાં 57 હજાર આઇસીયુ બેડનો સમાવેશ થાય છે. એક મહિનામાં 7 લાખ રેમડેસિવિર ઇન્જેક્શન પૂરા પાડ્યા છે. કોરોનાની પ્રથમ લહેરમાં ઓક્સિજનની જરૂરિયાત 155 મેટ્રીક ટન હતી જે બીજી લહેરમાં એકદમ વધીને 1150 મેટ્રિક ટન જેટલી થઇ ગઇ હતી. પ્લાન્ટ અને 30થી 50 બેડની વ્યવસ્થા કરાશે.