જામનગર જિલ્લામાં ગઇકાલે કોરોનાના મૃત્યુ મામલે ગઇકાલે એક દિવસના ઉછાળા પછી આજે રાહત જોવા મળી હતી. અને કોરોનાના દર્દીઓના મૃત્યુનો આંકડો આજે ઘટી ને ૫૫ નો થયો છે. જોકે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો આજે પણ ૭૦૦ થી ઉપર રહ્યો છે. જામનગર શહેરના ૩૯૮ પોઝિટિવ કેસ નોંધાયા છે, ઉપરાંત જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો આંકડો ૩૦૦ થી ઉપર રહ્યો છે. અને ૩૨૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી હજુ પણ લોકોએ અત્યંત સાવચેત રહેવું જરૂરી છે. જોકે શહેરના ૩૦૭ અને ગ્રામ્યના ૩૦૫ સહિત ૬૧૨ દર્દીઓને જી.જી. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
જામનગર જિલ્લામાં કોરોનાના મૃત્યુના મામલે ભયાનક સ્થિતિ હતી, અને કોરોનાની સારવાર દરમિયાન દર ૧૫ મિનિટે ૧ વ્યક્તિ કોરોનાની સારવાર માં મૃત્યુ પામી રહયા હતાં જેમા આજે થોડી બ્રેક લાગી છે. જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં છ લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં ૫૫ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૩,૨૨૧ નો થયો છે. ઉપરાંત કોરોનાના કેસો માં ઉછાળો યથાવત રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૯૮ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૭,૭૭૨ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૩૨૬ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૯,૭૨૨ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૨૭,૦૦૦થી વધુ નો થયો છે કુલ ૨૭,૭૧૨ લોકો કોરોના સંક્રમિત થયા છે. આજે મૃત્યુનો દર ફરી ઘટ્યો છે, અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે ૩,૨૨૧ થી વધુ દર્દીઓ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૦૭ અને ગ્રામ્યના ૩૦૫ મળી ૬૧૨ દર્દીઓને રજા આપવામાં આવી છે.