દેશના પાંચ રાજ્યોમાં પેટાચૂંટણીના પરિણામો બાદ સતત ચોથા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ચાલુ રહ્યો હતો. પેટ્રોલ ડીઝલના વધતા ભાવોએ સામાન્ય માણસની મુશ્કેલીઓ વધારી દીધી છે. શુક્રવારે દેશમાં પેટ્રોલ 29 પૈસા અને ડીઝલ 31 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું હતું. આ સાથે રાજસ્થાનના શ્રી ગંગાનગર ખાતે પેટ્રોલની કિંમત 102.15 રૂપિયા અને મધ્યપ્રદેશના અનુપપુરમાં 101 રૂપિયાને પાર થઇ ગઈ હતી. દેશભરમાં ડીઝલના ભાવમાં પણ તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. હાલ સરકારી ઓઇલ કંપનીઓએ આજે બંને ઇંધણના ભાવમાં સુધારો કર્યો નથી. રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૯૧.૨૭ રૂપિયા રહ્યો હતો જ્યારે ડીઝલ રૂ.૮૧.૭૩ને સ્પર્શ્યું છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 97.61 રૂપિયા અને ડીઝલનો ભાવ 88.82 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયો છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પેટ્રોલનો ભાવ ૯૯.૩૫ રૂપિયા અને ડીઝલ નો ભાવ વધીને ૯૦.૦૭ રૂપિયા પ્રતિ લિટર થયો હતો.
બે મહિનામાં પહેલી વાર ડીઝલ ૯૦ ને પાર કરી ગયું છે.પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અજય સિંહે જણાવ્યું હતું કે છેલ્લા ચાર દિવસમાં પેટ્રોલ ૯૬ પૈસા અને ડીઝલ રૂ.૧.૧૧ મોંઘું થયું છે. જો ભાવ વધારો ચાલુ રહેશે તો ભોપાલમાં પેટ્રોલ ત્રણ દિવસ બાદ 100 રૂપિયાને પાર થઇ જશે. જોકે મધ્યપ્રદેશના અનુપપુરમાં પેટ્રોલની કિંમત 101.86 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં પણ તે રૂ.૧૦૨.૧૫માં વેચાઈ રહ્યું છે. ભોપાલમાં પાવર પેટ્રોલ પહેલાથી જ ૧૦૩.૦૨ રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૧૮ દિવસ સુધી કોઈ ફેરફાર થયો નહોતો. ચૂંટણી પરિણામોના બીજા દિવસે 4 મેના રોજ તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે ગયા વર્ષે માર્ચમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી વધારી હતી. આના કારણે પેટ્રોલની કિંમતમાં એક સાથે 21.58 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 19.18 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો હતો. આ કિંમતોમાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો હતો.