રાજકોટમાં અત્યારે કોરોનાની ખતરનાક બીજી લહેર ચાલી રહી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ ઉપર હવે મ્યુકરમાઈકોસીસ નામની ફૂગ પ્રકારની બીમારી થઈ રહી છે જેથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 દિવસથી આ રોગએ અનેક લોકોનો ભોગ લીધો છે. શહેરમાં હાલ મ્યુકોરમાયકોસિસના કેસ 200ને પાર પહોંચ્યા છે. જેને નિવારવા માટે ખાસ સિવિલ હોસ્પિટલમાં અલાયદો 30 બેડનો અલગ વોર્ડ ઉભો કરાયો છે. રેમડેસિવિર બાદ આ રોગના ઇન્જેક્શન પણ ખૂટી પડ્યા છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ રાધેશ્યામ ત્રિવેદી દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રોગના ઇન્જેક્શન એન્ફોટેરિસીન-બી 50, લીપોસોમાલ એન્ફોટેરિસીન 50 મિલિગ્રામ ઇન્જેશન સિવિલ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં છે. ઇન્જેક્શન અને દવાનો જથ્થો ઉપલબ્ધ છે પરંતુ શહેરના મેડિકલ સ્ટોરમાં આ ઇન્જેક્શન ક્યાંય ઉપલબ્ધ નથી. આથી આ રોગથી પીડિતા દર્દીઓ અને તેના સગાઓ મુશ્કેલીમાં મૂકાયા છે. કોરોના સામે લડતા દર્દીઓમાં ફેફસાંમાં વાયરસ વધુ સક્રિય થાય ત્યારે સાઈકોટાઈમ સ્ટ્રોમનું જોખમ ઉભું થાય છે. તેને ઓછું કરવા માટે જે સ્ટીરોઈડનો ઉપયોગ થાય છે તેના કારણે મ્યુકોરમાયકોસિસ થાય છે. આ રોગની શરૂઆત નાક અને ગળામાંથી થાય છે. ફંગસ થતા નાક ભરાય જાય અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ ફંગસ આંખ, ફેફસાં અને મગજ સુધી પહોંચી જાય છે. વાતાવરણમાં રહેલી આ એક પ્રકારની ફૂગ હોય છે.
રાજકોટમાં 24 કલાકમાં 59 દર્દીના મોત થયા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમીટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 62 દર્દીના મોત થયા જે પૈકી 11 દર્દીના કોવિડથી મોત થયાનો ડેથ ઓડિટ કમિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. આજે બપોર સુધીમાં નવા 168 કેસ નોંધાયા છે શહેરમાં કુલ કેસની સંખ્યા 36606 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 3544 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 514 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.સિવિલમાં લેબટેકનિશિયનોએ હવે કાયમી કરવાની માગ સાથે હડતાળની ચિમકી ઉચ્ચારી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડ નં.11માં વાયરિંગમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી. જોકે સિક્યુરિટી ટીમની સમયસૂચકતાને કારણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં રહેલા ફાયરક સેફ્ટીના સાધનો વડે સિક્યુરિટીની ટીમે આગ બૂઝાવી હતી. થોડીવાર તો દર્દીઓ અને સગાઓના જીવ તાળવે ચોટી ગયા હતા. આ વોર્ડમાં કોવિડના 27 દર્દી દાખલ હતા. જોકે આ તમામને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. હૈદરાબાદ ઝૂમાં સિંહને કોરોના થયા બાદ રાજકોટ પ્રદ્યુમનપાર્ક ઝૂ થયું સાબદુ, તબીબી ચકાસણીમાં સબ સલામતનો દાવો કરવામાં આવ્યો છે.