ભારતમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. આ આપણા બધા માટે ખતરાની ઘંટડી છે. વાયરસથી થતા મૃત્યુ, વાયરસમાં ફેરફાર અને પુરવઠામાં વિલંબની દ્રષ્ટિએ તેનો પડઘો વિસ્તાર અને વિશ્વમાં ત્યાં સુધી આ સંભળાશે જ્યાં સુધી વિશ્વ ભારતને મદદ કરવા માટે પગલાં નહીં લે. યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)ના વડાએ આ વાત કરી હતી. યુનિસેફના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હેનરિટા ફોરે જણાવ્યું હતું કે, વિશ્વએ આગળ આવવું પડશે. યુનિસેફે તાજેતરમાં ભારતને ૨૦ લાખ ફેસશિલ્ડ અને બે લાખ માસ્ક સહિત વધારાની મહત્વપૂર્ણ જીવન રક્ષક વસ્તુઓ પૂરી પાડી છે. એજન્સીએ જણાવ્યું હતું કે તેણે 500થી વધુ હાઈ ફ્લો નાકની નળીઓ અને 85 આરટી-પીસીઆર મશીનો પણ મોકલ્યા છે. યુનિસેફે જણાવ્યું હતું કે તે પૂર્વોત્તર અને મહારાષ્ટ્રમાં ૨૫ ઓક્સિજન પ્લાન્ટ ખરીદવા અને સ્થાપિત કરવામાં પણ મદદ કરી રહ્યું છે અને દેશના વિવિધ ભાગોમાં ૭૦ થી વધુ થર્મલ સ્કેનર સ્થાપિત કર્યા છે. દક્ષિણ એશિયા માટે યુનિસેફના પ્રાદેશિક નિયામક જ્યોર્જ લારિયા-અદજેઈએ કહ્યું હતું કે આપણે ભારતમાં જે દ્રશ્ય જોઈ રહ્યા છીએ તે વિનાશક છે. તેમણે કહ્યું હતું કે, સૌથી વધુ અસુરક્ષિત પરિવારો આ જીવલેણ રોગચાળાની ભારે કિંમત ચૂકવી રહ્યા છે. યુનિસેફે તેના તમામ ભાગીદારોને પણ અપીલ કરી છે કે તેઓ કોવિડ-19 મહામારી સામે લડવામાં મદદ કરે.