વધી રહેલા કોરોનાના પોઝિટિવ કેસોની સ્થિતિને કારણે રાજ્ય સરકારે ગુજરાતના મહાનગરો સહિત 29 શહેરોમાં રાત્રિ કર્ફયુ લાદવા ઉપરાંત દિવસ દરમિયાન આવશ્યક સેવાઓ, અનાજ-કરિયાણા, ઘંટી, શાકભાજી, ફળ, ડેરી, મેડકિલ, બેકરી સિવાયના તમામ વેપાર ધંધા બંધ રાખવાનો આદેશ કર્યો હતો. જેના પગલે જામનગરમાં બુધવારે આવશ્યક સેવા સિવાયના વેપાર-ધંધા સજજડ બંધ રહ્યા હતાં. ધાર્મિક સ્થળો, મંદિરોમાં દર્શનાર્થીઓને પ્રતિબંધ મૂકાયો છે. દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, શોપીંગ કોમ્પલેક્ષ, યાર્ડ, બાગ-બગીચા બંધ રહ્યા હતાં. કડક નિયંત્રણોની અમલવારી પાંચ મે સુધી ચાલુ રહેશે.
રાજ્ય સરકારે મંગળવારે સાંજે જાહેર કરેલા પ્રતિબંધાત્મક આદેશનો બુધવારથી જામનગર કોર્પોરેશન વિસ્તારમાં કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આદેશની અવગણના કરનારા વેપારીઓની દુકાનો બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત લારી-ગલ્લાને પણ બંધ કરાવી દેવામાં આવ્યા હતાં. જો કે, શહેરમાં અનેક વિસ્તારોમાં સવારના ભાગે ઘૂઘરા, ગાંઠિયા, ચા-પાનના ધંધા ચાલુ રહ્યા હતાં. પટેલ કોલોની વિસ્તારમાં જાહેર મુખ્ય રોડ પરની ચા ની હોટલો તથા પાનની દુકાનો-લારી બિન્દાસ ખુલ્લા જોવા મળ્યા હતાં.
જામનગરમાં વધુ એક વખત કોરોનાના રેકર્ડ બ્રેક 721 કેસ નોંધાયા છે. 95 દર્દીએ અંતિમ શ્વાસ લીધા છે. જો કે, રીકવરી રેટ વધતા એક જ દિવસમાં 615 દર્દી ડિસ્ચાર્જ થયા છે. 24 કલાકમાં શહેરમાં 407 અને જિલ્લામાં 314 લોકો સંક્રમિત થયા છે. કડક નિયંત્રણોના પગલે જામનગરમાં વેપાર-ધંધા સજ્જડ બંધ, અનાજ, કરિયાણું, ડેરી, ફળ, શાકભાજી, બેકરી, મેડિકલ સહિતની આવશ્યક સેવાઓ ચાલુ રહી. શહેરમાં ધાર્મિક સ્થળો, મંદિરોમાં દર્શનાર્થીઓને પ્રતિબંધ : દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, શોપીંગ કોમ્પલેક્ષ, યાર્ડ, બાગ-બગીચા બંધ રહ્યા.