દેશમાં દરરોજ કોરોના સંક્રમણના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દેશના 150 જિલ્લાઓમાં લોકડાઉન કરવા વિચારી રહી છે જ્યાં સંક્ર્મણનો દર 15 ટકાથી વધુ છે. જોકે સંબંધિત રાજ્યો સાથે વિચાર વિમર્શ કર્યા બાદ જ આ નિર્ણય લેવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા મંગળવારે ઉચ્ચ સ્તરીય બેઠકમાં લોકડાઉનની ભલામણ કરવામાં આવી હતી. મંત્રાલયનો મત છે કે હાલમાં સંક્રમિત લોકોના આંકડા અને પોઝિટિવિટી રેટને નિયંત્રિત કરવો જરૂરી છે.
આરોગ્ય મંત્રાલયે લોકડાઉનની ભલામણ કરી.
આરોગ્ય મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે 15 ટકાથી વધુ સંક્રમિત દર ધરાવતા 150 જિલ્લાઓમાં આવશ્યક સેવાઓની છૂટછાટ સાથે લોકડાઉન લાદવું પડશે નહીંતર આરોગ્ય પ્રણાલી પર બોજો વધશે. મહારાષ્ટ્ર, દિલ્હી, છત્તીસગઢ, તમિલનાડુ સહિત દેશના આઠ રાજ્યોમાં સંક્ર્મણના 69 કેસ છે. લોકડાઉનને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત જિલ્લાઓ સાથે સંબંધિત રાજ્યો સાથે આ અંગે વિચારણા કરવામાં આવનાર છે.
પ્રધાનમંત્રીએ લોકડાઉનને છેલ્લા ઉપાય તરીકે વર્ણવ્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરતાં સંક્ર્મણ અટકાવવાનો છેલ્લો ઉપાય લોકડાઉનનો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે સરકાર હવે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન, બેડ અને રસીઓની વ્યવસ્થા કરી રહી છે. દેશના લોકોને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, જો તમે બધા એક થઈ જાઓ અને જાગૃતિ લાવશો તો લોકડાઉનની જરૂર નહીં પડે. તેમણે કહ્યું હતું કે, “હું રાજ્યોને અપીલ કરું છું કે તેઓ લોકડાઉનનો છેલ્લા ઉપાય તરીકે ઉપયોગ કરે. આપણે માઇક્રો-કંટેનમેન્ટ ઝોન પર ધ્યાન આપવું જોઈએ. ‘
દસ રાજ્યોમાં સંક્ર્મણના સિત્તેર ટકા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયેલા કોરોનાના નવા કેસોમાંથી 69.1 ટકા સૌથી વધુ અસરગ્રસ્ત દસ રાજ્યોના છે. આ રાજ્યો મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, બંગાળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાન છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા કેસ 48,700 નોંધાયા છે. આ પછી ઉત્તર પ્રદેશમાં 33,551 અને કર્ણાટકમાં 29,744 નવા કેસ નોંધાયા હતા.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુ.
છેલ્લા 24 કલાકમાં 3,285 લોકોના મોત થયા છે, જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રના 895 લોકો મૃત્યુ પામ્યા છે. આ પછી દિલ્હીમાં 381, ઉત્તર પ્રદેશમાં 264, છત્તીસગઢના 246, કર્ણાટકમાં 180, ગુજરાતમાં 170 અને રાજસ્થાનમાં 121 લોકોના મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના ઇન્ફેક્શનના વધતા જતા કેસોને કારણે સિસ્ટમ પડી ભાંગી છે. દરેક જગ્યાએ ઓક્સિજન, હોસ્પિટલમાં બેડ અને દવાઓની અછત છે. તેને ધ્યાનમાં રાખીને વિશ્વના ઘણા દેશો દ્વારા ભારતને મદદ કરવામાં આવી રહી છે.