મોરબીના નવા ઘુંટુ તરફ જવાના રોડ પર ડમ્પરે બાઇકને હડફેટે લેતા યુવકનું મોત; એક ઈજાગ્રસ્ત
મોરબી થી નવા ઘુંટુ તરફ જવાના રોડ ઉપર આઈ.ટી.આઈ. કોલેજ સામે રોડ ઉપર ડમ્પર ચાલકે બેફિકરાઈથી ચલાવી બાઈકને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચી હતી જેથી આ બનાવમાં આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી નવલખી રોડ ધુતારી વિસ્તારમાં રહેતા કિશોરભાઈ અમરશીભાઈ અગેચણીયા (ઉ.વ.૪૫) એ આરોપી ટાટા ડમ્પર રજીસ્ટર નંબર – જીજે-૩૬-વી-૫૦૫૧ ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળુ વાહન ટાટા ડમ્પર રજીસ્ટર નં-GJ-36-V-5051વાળુ પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી સામેથી હીરો સ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર GJ-36-AE-1041વાળું ચલાવી આવતા ફરીયાદીના દીકરા વિશાલ (ઉ.વ-૨૦)ને માથામાં તથા ડાબા હાથે ગંભીર ઇજાઓ તથા શરીરે સામાન્ય છોલછાલ પહોંચાડી મોત નિપજાવી તથા મોટરસાયકલ પાછળ બેઠેલ સાહેદ અભયને શરીરે સામાન્ય છોલછાલ પહોંચાડી ટ્રક સ્થળ પર મુકી નાસી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.