રેલ્વે ભરતી બોર્ડની જાહેરાત અન્વયે જીલ્લા પંચાયત મોરબી દ્વારા મોક ટેસ્ટ યોજાઈ
જીલ્લામાંથી 191 ઉમેદવારો આપી પરીક્ષા
રેલ્વે ભરતી બોર્ડની જાહેરાત કરવામાં આવી જેમાં વધુમાં વધુ લોકોને રોજગારી મળી રહે વધું લોકો સરકારની સેવામાં જોડાયા તેવા ઉદ્દેશથી મોરબી જીલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી બોર્ડની જાહેરાત અન્વયે જિલ્લા પંચાયત મોરબી દ્વારા મોક ટેસ્ટનું આયોજન કરાયું હતું જેમાં જીલ્લામાંથી 191 ઉમેદવારો પરીક્ષા આપી હતી.
ભારત સરકારના રેલ્વે મંત્રાલયના રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ-ડી (લેવલ-૧)ની ૧૪ જેટલી અલગ અલગ ટેકનિકલ પોસ્ટ માટેની ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવેલ હતી. જે જાહેરાત અન્વયે મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા હોય તેવા ઉમેદવારોએ અરજી કરી હતી.
આ ઉમેદવારો લેખિત પરીક્ષામાં સફળ રહે અને જિલ્લામાંથી વધુમાં વધુ લોકોને રોજગારી મળે તે હેતુથી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં ત્રણ જેટલા પરીક્ષા કેન્દ્ર ઉપર આજે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ હતું. જે મોક ટેસ્ટમાં સમગ્ર જિલ્લામાંથી કુલ ૧૯૧ જેટલા ઉમેદવારોએ આજે પરીક્ષા આપી હતી.
જે અંતર્ગત શ્રી યુ.એન. મહેતા આર્ટસ કોલેજ, મોરબી પરીક્ષા કેન્દ્ર પર ૫૯, સાંદિપની ઇંગ્લિશ સ્કૂલ હળવદ પરીક્ષા કેન્દ્ર પર ૬૭ અને શ્રીમતી ઇન્દુબેન લલીતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજ, વાંકાનેર પરીક્ષા કેન્દ્ર પર ૬૫ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આજે લેવામાં આવેલ પરીક્ષાના પ્રશ્નપત્રની આન્સર કી તથા પરીક્ષાનું પરિણામ ટૂંક સમયમાં જિલ્લા પંચાયત મોરબીની વેબસાઈટ ઉપર ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે.