શુક્રવારે (આજે) સવારે 3 વાગ્યાની આસપાસ મહારાષ્ટ્રના વિરાર વિસ્તારની વિજય વલ્લભ કોવિડ કેર હોસ્પિટલમાં ભારે આગ લાગી હતી.વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના કોરોના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 દર્દીઓનું કરૂણ મોત નીપજ્યું છે. આગની જાણ થતાં જ અસરગ્રસ્ત દર્દીઓને નજીકની હોસ્પિટલોમાં ખસેડાયા હતા. 21 દર્દીઓની હાલત ખૂબ જ નાજુક હોવાનું જણાવાયું છે. આ મામલે વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે. આશંકા છે કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોય. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ વિજય વલ્લભ કોવીડ હોસ્પિટલમાં આગની ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. મહારાષ્ટ્રના મંત્રી એકનાથ શિંદેએ કોવિડ હોસ્પિટલમાં બનેલી ઘટના પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે, તે એક મોટો અકસ્માત છે. દોષી સાબિત થનારાઓને બક્ષવામાં આવશે નહીં. સરકારે આ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે મહારાષ્ટ્રના પાલઘરમાં કોવિડ હોસ્પિટલમાં આગને કારણે થયેલા મોતને કારણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ઈજાગ્રસ્તોને જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી. નોંધપાત્ર વાત એ છે કે, મહારાષ્ટ્રના નાસિકમાં જાકિર હુસેન હોસ્પિટલમાં બુધવારે બપોરે ઓક્સિજન ટાંકીમાંથી ઓક્સિજન લીક થતાં 24 કોરોના દર્દીઓનું મોત નીપજ્યું હતું. ઓક્સિજન લિક થવાને કારણે હોસ્પિટલમાં ઓક્સિજનનો સપ્લાય બંધ થયો હતો ત્યારે આ ઘટના બની. જેને પગલે ઓક્સિજન ન મળતાં વેન્ટિલેટર પર દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. આ ઓક્સિજન ટાંકી થોડા દિવસો પહેલા ડો.ઝાકિર હુસેન હોસ્પિટલ કેમ્પસમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ લિકેજને રોકવા માટે હોસ્પિટલના વહીવટીતંત્રે થોડા સમય માટે હોસ્પિટલની અંદર ઓક્સિજનનો પુરવઠો બંધ કરી દીધો હતો.