દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કોવિશિલ્ડ રસીની કિંમત નક્કી કરવામાં આવી છે. કોવિસીલ્ડ રસીનું ઉત્પાદન કરનારી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ રસી માટે કિંમતોની સૂચિ બહાર પાડી છે. આમાં ખાનગી હોસ્પિટલો અને સરકારી દવાખાનાઓ માટે અલગ ભાવ રાખવામાં આવ્યા છે.સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે કેન્દ્ર સરકારની સૂચના મુજબ અમે કોવિશિલ્ડ રસીના ભાવની ઘોષણા કરી રહ્યા છીએ. રાજ્ય સરકારોને 400 રૂપિયામાં રસીનો ડોઝ મળશે. સાથે જ, ખાનગી હોસ્પિટલોએ આ માટે ડોઝ દીઠ 600 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ એ પણ દાવો કર્યો છે કે વિદેશમાં થઇ રહેલ કોરોના રસી કરતા કોવિશિલ્ડની કિંમત સસ્તી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર અમેરિકન રસીની કિંમત ડોઝ દીઠ 1500 રૂપિયા છે, જ્યારે રશિયન અને ચીની રસીની કિંમત ડોઝ દીઠ 750-750 રૂપિયા છે. ભારતમાં ખાનગી હોસ્પિટલોને સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોરોના રસી 600 રૂપિયામાં મળશે, જ્યારે સરકારી હોસ્પિટલોને એક ડોઝ માટે 400 રૂપિયા ચુકવવા પડશે. હાલમાં, ભારત સરકાર જ દેશમાં તમામ રસીઓના વેચાણ અને ખરીદીને નિયંત્રિત કરે છે.