કોરોનાને કારણે દેશના જુદા જુદા ભાગોમાં તાળાબંધી અને કર્ફ્યુની સ્થિતિને કારણે પરપ્રાંતિય કામદારોમાં ફરી નાસભાગ મચી ગઈ છે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય શ્રમ મંત્રાલયે પરપ્રાંતીય મજુરોની મદદ માટે 20 કંટ્રોલ રૂમ બનાવ્યા છે. પરપ્રાંતીય મજુરો આ કેન્દ્રોનો સંપર્ક કરી તેમની સમસ્યાઓ શેર કરી શકે છે. સંબંધિત રાજ્ય સરકારની મદદથી શ્રમ મંત્રાલયનો આ કંટ્રોલરૂમ કામદારોની મુશ્કેલી નિવારશે. પરપ્રાંતીય મજુરો ઇ-મેઇલ, વોટ્સએપ અથવા મોબાઈલ ફોન દ્વારા કંટ્રોલ રૂમ સાથે તેમની સમસ્યાઓ શેર કરી શકે છે. શ્રમ મંત્રાલયના જણાવ્યા મુજબ, આ કંટ્રોલ રૂમ અમદાવાદ, અજમેર, આસનસોલ, બેંગલુરુ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, કોચી, દહેરાદૂન, દિલ્હી, ધનબાદ, ગુવાહાટી, હૈદરાબાદ, જબલપુર, કાનપુર, કોલકાતા, મુંબઇ, નાગપુર, પટણા અને રાયપુરમાં સ્થાપવામાં આવ્યા છે. ઘણાં રાજ્યોમાં લોકડાઉન જેવી પરિસ્થિતિને જોતાં, પરપ્રાંતિય કામદારો ફરીથી તેમના વતન રાજ્યોમાં પાછા ફરી રહ્યા છે. મંત્રાલયે કહ્યું કે આવી સ્થિતિમાં સ્થળાંતર થતા કામદારો અનેક રીતે અસરગ્રસ્ત છે અને તેમની તમામ સમસ્યાઓ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. મુખ્ય શ્રમ આયુક્ત તમામ 20 કંટ્રોલ રૂમની દેખરેખ રાખશે. કોરોના રોગચાળાની બીજી લહેર વધુ તીવ્ર બની રહી છે. પ્રથમ વખત દેશમાં 2.94 લાખ નવા કેસ નોંધાયા છે અને બે હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દિલ્હીની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની રહી છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં રેકોર્ડ મૃત્યુ થયા છે. સક્રિય કેસની સંખ્યા પણ 21 લાખને વટાવી ગઈ છે.