મોરબીમાં સ્મોલ ઇન્ડસ્ટ્રિયલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા હસ્તકળા માટેનું પ્રદર્શની સહ વેચાણ કાર્યક્રમનું આયોજન કરાયું
મોરબીમાં તાજેતરમાં તારીખ ૧૭/૦૨/૨૦૨૫ ના રોજ સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) ના સહયોગથી દેવ ફાઉન્ડેશન -વડોદરા દ્વારા હસ્તકળાને પ્રોત્સાહન આપવા પ્રદર્શની સહ વેચાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના કાર્યક્રમોનો ઉદેશ્ય એ છે કે ગુજરાતનો ભવ્ય સાંસ્કૃતિક કલા વારસો, હસ્તકલા નવી પેઢીમાં વિલુપ્ત ના બને તેમજ આ કલા સાથે સંકળાયેલા કારીગરો/આર્ટિસ્ટસને આજીવિકા મળી રહે તે હેતુથી ભાવનગર, અમરેલી, બોટાદ, મોરબી, ભરુચ, આણંદ, ખેડા, અમદાવાદ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં કલાકારો માટે SACRED 2.0 પ્રોજેકટ કાર્યરત છે.
જે અન્વયે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) અને દેવ ફાઉન્ડેશન દ્વારા આયોજીત અને ઇ.ડી.આઈ.આઈ.ના સહયોગથી બહેનો આ પ્રોજેકટ થકી બનાવેલી હેન્ડમેડ પ્રોડક્ટસનું વેચાણ કરીને આત્મનિર્ભર બની આર્થિક સદ્ધરતા સાથે સ્વમાન સાથે જીવન પસાર કરી તે માટે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશિષ્ટ તાલીમ મેળવેલ બહેનો દ્વારા તૈયાર કરાયેલ મોતી કામ, એમ્બ્રોઈડરી કામ, પેચ વર્ક, કોઈર વર્ક, ટેરાકોટા, મડ વર્ક/માટી કામના કારીગરોએ તેમના દ્વારા બનાવેલા વિવિધ પ્રોડક્ટસ પ્રદર્શનની સાથોસાથ વેચાણ માટે પણ મુકયા હતા. આ સમગ્ર કાર્યક્રમને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. તેમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.