મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળામાં માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો
મોરબીની માધાપરવાડી શાળામાં યોગ વેદાંત સમિતિ દ્વારા આયોજિત માતૃ- પિતૃ પૂજન કાર્યક્રમમાં 300 બાળકોએ કર્યું માતા-પિતાનું પૂજન
મોરબી: ભારતીય સંસ્કૃતિ માતૃદેવો ભવ: પિતૃદેવો ભવ: ની સંસ્કૃતિ છે,ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાને દેવ માનવામાં આવે છે, માતા-પિતા અનેક કષ્ટો વેઠીને પોતાના સંતાનોનું લાલન પાલન અને પોષણ કરે છે, પોતે ભૂખ્યા સૂઈને પણ પોતાના કાળજાના કટકાને ભણાવી, ગણાવી પગભર કરે છે, પોતે તડકો વેઠીને સંતાનોને છાંયડો આપે છે,આવા માતા પિતાનું ઋણ અનેક જન્મો પછી પણ ચૂકવી ન શકે,પણ કાળક્રમે પાશ્ચાત્ય સંસ્કૃતિની હવાના કારણે માતા-પિતા પ્રત્યેના પ્રેમની ઓટ આવી છે, દિવસે દિવસે વૃદ્ધાશ્રમો ખુલતા જાય છે, આજની યુવાપેઢીને વડીલો ગમતા નથી. નાનપણથી જ બાળકોમાં માતા-પિતા પ્રત્યે પ્રેમનો પાદુર્ભાવ થાય,માતા પિતાના મહત્વને સમજતા થાય એમના ઉપકારને સમજતા થાય એવા શુભાષયથી માધાપરવળી કુમાર અને કન્યા શાળાના 300 બાળકોએ તેમના માતા-પિતાનું પૂજન કર્યું.
આ પૂજન દરમ્યાન લાગણી સભર અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા,હાલ સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડે ની બોલબાલા છે ત્યારે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ સમાજને એક નવો રાહ ચીંધ્યો છે.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યોગ વેદાંત સમિતિના તમામ કાર્યકર્તાઓ તેમજ બંને શાળાના તમામ શિક્ષકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.