મોરબી પાલિકાના ભાજપના શાસકો દ્વારા ખોટી રીતે કલમ ૪૫(ડી) હેઠળ કરેલ કામોની નાણાકીય રીકવરી કરવા કોંગ્રેસની માંગ
મોરબી નગરપાલિકામાં ભાજપનું શાસન હતુ ત્યારે ભાજપના શાસકો દ્વારા ખોટી રીતે કલમ ૪૫(ડી) હેઠળ કરવામાં આવેલ કામોની નાણાકીય રીકવરી કરી જવાબદાર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા મહાનગરપાલિકાના કમીશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મોરબી મહાનગરપાલિકાના કમીશ્નરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી નગરપાલીકામાં ભાજપનું શાસન હતું ત્યારે બાવને બાવન સભ્યો ભાજપના હતા. તેમ છતાં પણ જે કામ જનરલ બોર્ડની બેઠકમાં ઠરાવ કર્યા બાદ કરાવવાના હોય તેવા રોડ-રસ્તા, પેવર બ્લોક, ઓફીસ અને ઘરના રિનોવેશનના કામ આપાતકાલીન ગણીને આ કામ કલમ ૪પ(ડી) હેઠળ લઈને કરવામાં આવ્યા છે. જે ખરેખર આ કલમ હેઠળ કરાવી ન શકાય અને તેની માહિતી માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ માંગવામાં આવી ત્યારે નગરપાલીકા કચેરી તરફથી જે માહિતી મળેલ છે તેમાં દર્શાવેલ કામોમાંથી મોટાભાગના કામ કલમ ૪પ(ડી) હેઠળ કરાવી શકાય નહી તેમ છતાં પણ આવા કામ જે તે સમયની ભાજપની બોડીના સતાધીશો અને અધિકારી દ્વારા કરાવવામાં આવ્યા છે અને પ્રજાના પૈસાનો દૂર ઉપયોગ કરવામાં આવ્યો છે.
નગરપાલીકા દ્વારા કલમ ૪પ(ડી) હેઠળ ન આવરી શકાય તેવા કામને માત્ર કરાવવામાં આવ્યા છે. પરંતુ તેના બીલ પણ તાબડતોડ પાલીકાના સ્વભંડોળમાંથી ચુંકવી આપવામાં આવ્યા છે. જેથી નિતિનિયમોનો ઉલાળીયો કરીને કલમ ૪૫(ડી) હેડળ જે કામ ભાજપની બોડી દ્વારા કરાવવામાં આવ્યા છે તેની સંપૂર્ણ રીતે નાણાંકીય રિકવરી કરવા માટે થઈને કોઈને કોઈ નક્કર કામગીરી નહી કરવામાં આવે તો આગામી સમયમાં આ મુદ્દે સ્થાનિક કોર્ટથી લઈને હાઈકોર્ટ સુધી જશું.
એટલું જ નહી પરંતુ મોરબી નગરપાલીકાના જે તે સમયના ચીફ ઓફીસરના બંગલાનું રિનોવેશન તથા તેની ઓફીસરના શિનોવેશના લાખો રૂપિયાના બીલ કલમ ૪૫(ડી) હેઠળ મંજુર કરવામાં આવ્યા છે.
જેથી મોરબી નગરપાલીકાના ભાજપના શાસકો દ્વારા ખોટી રીતે કલમ ૪૫(ડી) હેઠળ કરવામાં આવેલ કામોની નાણાંકીય રિકવરી કરવામાં આવે અને જવાબદાર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.