ગુજરાતમાં SMCનુ પ્રથમ પોલીસ સ્ટેશન ગાંધીનગર ખાતે કાર્યરત; પ્રથમ કેસ પણ દાખલ
રાજ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ ગુજરાત પોલીસની વિશેષ શાખા છે. પોલીસ મહાનિર્દેશક અને મહાનિરીક્ષકને સહાય પૂરી પાડવા માટે અમલીકરણ, સંકલન, સંશોધન અને વિશ્લેષણની SMCની પ્રાથમિક જવાબદારી છે. જેમાં પ્રોહિબિશન, જુગાર સહિતના ગુનાઓના નિવારણ માટે SMC રાજ્યવ્યાપી દરોડા પાડી શકે તે હેતુથી ગુજરાત રાજ્યના સમગ્ર વિસ્તાર માટે સ્ટેટ મોનીટરીંગ સેલને પોલીસ સ્ટેશનનો દરજ્જો મળતાં, ગુજરાત રાજ્ય પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, IPS વિકાસ સહાયના વરદ હસ્તે આજે તા. ૩૧/૦૧/૨૦૨૫ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલની કચેરી, પોલીસ ભવન, ગાંધીનગર ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલનું પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવેલ છે.
ગાંધીનગર ખાતે કાર્યરત સ્ટેટ મોનિટરીંગ સેલના પોલીસ મથકમાં પ્રથમ કેસ નોંધાયો જેમા ગુજરાત રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર તથા અમદાવાદ જિલ્લાઓમાં સંગઠીત ગુના આચરતી ટોળકી (Organized Crime Syndicate) ના સાગરીતો (૧) આશીષ ઉર્ફે આસુ રમેશચંદ્ર અગ્રવાલ (૨) વિનોદ ઉર્ફે વિજય મુરલીધર સીંધી ઉદવાણી તથા ટોળકીના અન્ય ૦૮ સભ્યો મળી કુલ-૧૦ ગેંગના સભ્યોએ એકબીજા સાથે સંગઠીત થઈ ગુના આચરતી ટોળકી (Organized Crime Syndicate) બનાવેલ છે.
આ ગેંગના સભ્યોએ સાથે પોતાના આર્થિક લાભ માટે, ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત વિદેશી દારૂ (IMFL) નો ગેરકાયદેસર રીતે આયાત કરી-કરાવી, ગુજરાત રાજ્યની હદમાં વિદેશી દારૂનુ પરિવહન કરી, વહેંચણી અને વેચાણ કરાવેલ. આ ગેંગના સભ્યોએ પોતાના આર્થિક લાભ માટે વિદેશી દારૂનું પરિવહન કરવાના ઈરાદાથી ખોટી વ્હિકલ નંબર પ્લેટ, ખોટા એન્જીન-ચેચીસ નંબર અને ખોટા ટ્રાન્સપોર્ટ ડોક્યુમેન્ટ બનાવીને આઈ.પી.સી.ની કલમ-૪૧૯, ૪૨૦, ૪૬૭, ૪૭૧ તથા અન્ય કલમો મુજબ ગુનાઓ આચરેલ છે જેથીઆ ટોળકી વિરૂધ્ધ છેલ્લા દસ વર્ષમાં સોળ ગુનાઓમાં કોર્ટે ન્યાયીક નોંધ લઈ તહોમતનામું ફરમાવવામાં આવેલ છે. ઈતિહાસ જોતાં, તમામ સભ્યો વિરૂધ્ધ કુલ-૫૦૦ થી વધુ ગુનાઓ દાખલ થયેલ છે. જેથી આ ટોળકીના ૧૦ સભ્યો અને તે સિવાય તપાસમાં નિકળે તે તમામ સભ્યો વિરૂધ્ધ સ્ટેટ મોનીટરીંગ સેલ, ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતે ગુનો દાખલ કરી, આગળની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલના નાયબ પોલીસ અધિક્ષક ને સોંપવામાં આવેલ છે.