મોરબીમાં 1962 કરુણા હેલ્પલાઇન ટીમની સરાહનીય કામગીરી
સ્થળ પર જ સિઝેરિયન કરીને ગાયને પ્રસૂતિની પીડામાંથી મુક્ત કરી
મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના મકતાનપર ગામના રહેવાસી દશરથભાઇ કુવરાભાઇ પચિયાના ઘરે ગાયને વિયાણમાં તકલીફ પડી હતી. તેથી તેઓએ ૧૯૬૨ની પશુ દવાખાનાની ટીમને જાણ કરી હતી. આ કોલ મળતા તાત્કાલિક ધોરણે ટીમ મેમ્બર ડૉ.રિયાઝુદ્દીન સેરસિયા, ડૉ.આદિલ બાદી, પાઇલોટ કમ ડ્રેસર ધનજીભાઇ અને પ્રવીણભાઇ દ્વારા ત્રણ કલાકની લાંબી જહેમત બાદ ગાયનું સિઝેરિયન કરીને ગાયને પ્રસુતિની કારમી પીડામાંથી મુક્ત કરાઈ હતી.
સિઝેરિયન કરીને તેમની ગાયને નવું જીવનદાન આપવા બદલ ખેડૂત દશરથભાઇએ સમગ્ર કરુણા હેલ્પલાઈન ટીમનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તાલુકા વિસ્તારમાં ૧૦ ગામ દીઠ ૧ હરતું-ફરતું પશુ દવાખાનું ઉપલબ્ધ હોય છે. જેમાં ૧૯૬૨ નિ:શુલ્ક હેલ્પલાઈન નંબરમાં ફોન કરીને જાણ કરી શકાય છે.