મોરબી પાલિકા કચેરી દ્વારા વાહનકર ચુકવવા અંગેની પ્રસિદ્ધ થયેલ નોટિસ રદ કરવા કોંગ્રેસની માંગ
મોરબી નગરપાલિકા કચેરી તરફથી વાહનકર ચૂકવવા અંગેની નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં નોટીસમાં જણાવ્યા પ્રમાણે મોરબી નગરપાલીકાની હદમાં રહેતા લોકો કોઈ પણ પ્રકારનું વાહન ખરીદી કરે તો તેમાં ૩% થી ૭% સુધીનો વાહનકર વસુલવામાં આવશે જેની સિધ્ધી અસર મોરબીની જનતા પર થશે જેથી આ નોટીસનો મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા વિરોધ કરી નોટિસ દર કરવા પાલિકા ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી જણાવ્યું છે કે ગત તા. ૨૧/૧૧/૨૦૨૪ ના રોજ મોરબી નગરપાલીકા કચેરી તરફથી મોરબી શહેરની જનતાને અંધારામાં રાખી ગુજરાત મ્યુનીસીપલ એકટ-૧૯૬૩ ની કલમ-૧૦૧ અન્વયે વાહનકર ચુકવવા અંગેની જાહેર નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે નોટીસમાં જણાવ્યા પ્રમાણે મોરબી નગરપાલીકાની હદમાં રહેતા લોકો કોઈ પણ પ્રકારનું વાહન ખરીદી કરે તો તેમાં ૩% થી ૭% સુધીનો વાહનકર વસુલવામાં આવશે. હજુ તો મોરબી શહેરને મહાનગરપાલીકો દરજજો પણ મળેલ નથી અને મોરબી શહેર ખરાબ રોડ-રસ્તા, ઉભરાતી ગટરો અને ભ્રષ્ટાચારથી ખદબદી ગયું છે. લોકોને પ્રાથમિક સુવિધાઓ પણ મળી રહેલ નથી તેમજ મસમોટા ભ્રષ્ટાચારથી નગરપાલીકાની તિજોરી ખાલી થઈ ગયેલ છે. મોરબીના ઉદ્યોગોની પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે. શું મોરબીની આવી પરિસ્થિતિથી પાલિકા ચીફ ઓફિસર વાકેફ નથી. આવી પરિસ્થિતિમાં લોકોને “પડયા પર પાટુ” મારવાના પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ છે.
આ વાહનકર ચુકવવાની નોટીસ પ્રસિધ્ધ કરતા પહેલા ભ્રષ્ટ તંત્રની બેદરકારીના કારણે પડી ભાંગેલ મોરબીના વિસ્તારોની મુલાકાત લીધેલ છે કે કેમ? કે પછી મોરબી નગરપાલીકાની તિજોરીમાં કાંઈ બચેલ નથી એટલે લોકોને જાણી જોઈને લુંટી લેવાના એક માત્ર આશયથી પ્રજાને અંધારામાં રાખી વાહનકર ચુકવવા અંગેની જાહેર નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેથી આ વાહનકર ચુકવવાની જાહેર નોટીસનો મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા મોરબીની પ્રજા વતીઅવગણના કરી તાત્કાલીક ધોરણે આ નોટીસને રદ કરવા ચીફ ઓફિસરને રજુઆત કરી છે.