મોરબી: માનસર ગામે મચ્છુ નદીમાં થતી ખનીજ ચોરી બંધ કરાવવા રજૂઆત
મોરબી તાલુકાના માનસર ગામે મચ્છુ નદીમાં ખનીજ માફિયાઓ દ્વારા રેતી ચોરી કરવામાં આવે છે જેનાથી ખેડૂતો તથા સરકારને કરોડો રૂપિયાનુ નુકસાન કરે છે જેથી આ ખનીજ ચોરી અટકાવવા માનસર ગ્રામ પંચાયત દ્વારા મોરબી જીલ્લા ખાણ ખનીજ વિભાગને રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી તાલુકાના માનસર ગ્રામ પંચાયત દ્વારા મોરબી જીલ્લા ખાણ ખનીજ વિભાગને રજૂઆત કરી જણાવ્યું હતું કે મોરબી તાલુકાના માનસર ગામે મચ્છુ નદીમાં ચેકડેમ પાછળના ભાગે નારણકા ગામ તરફ બનીજ માહીયાઓ દ્વારા રેતી ચોરી કરવામાં આવે છે.
આ મચ્છુ નદીમાંથી અનેક ગામના લોકો પોતાની ખેતીની જમીનમાં પિયત માટે પાણી મેળવે છે. જો આ મચ્છુ નદીમાંથી રેતી કાઢી નાખવામાં આવે તો નદીનું તળ નીચું જવાના કારણે પાણીમાં ખારાસ ઉત્પન્ન થાય છે. જેથી આ પાણીનો ખેડુતો સિંચાઈ માટે ઉપયોગ કરી શકતા નથી અને જો પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરે તો ખેડુતોની જમીન બિનઉપજાવ બની જાય છે. તેમજ આવા ખનીજ માફીયાઓ મચ્છુ નદીમાંથી ખનીજની ચોરી કરી સરકારને તથા ખેડુતોને કરોડો રૂપિયાનું નુકશાન કરે છે.
હાલમાં મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્યા કથળી ગયેલ હોય, ખનીજ માફીયાઓ બેફામ બનેલ હોય, તાત્કાલીક ધોરણે મોરબી તાલુકાના માનસર ગામે મચ્છુ નદીમાં ચેકડેમના પાછળના ભાગે નારણકા ગામ તરફ થતી ખનીજ ચોરી અટકાવવામાં આવે તથા ખનીજ માફીયાઓ સામે કડક પગલા ભરવા માનસર ગ્રામ પંચાયત દ્વારા માંગ કરવામાં આવી છે.