ભારતમાં, છેલ્લા 24 કલાકમાં COVID-19 ના 1,31,968 નવા કેસ નોંધાયા છે અને 780 સંક્રમિત લોકોનાં મોત નીપજ્યાં છે. આ પછી, દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 1,30,60,542 પર પહોંચી ગઈ છે અને કુલ મોતની સંખ્યા 1,67,642 થઈ ગઈ છે. શુક્રવારે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ ડેટા જાહેર કર્યા છે. આ મુજબ, હાલમાં દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 9,79,608 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા 1,19,13,292 છે. દેશમાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત, કુલ 9,43,34,262 લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી છે. તે જ સમયે, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં રસીની અછત નોંધાઈ છે. જોકે, આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનએ આ વાતને નકારી કાઢી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 29 દિવસથી કોરોના સંક્ર્મણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, ભારતમાં ગુરુવાર સુધીમાં કોરોના વાયરસ માટે કુલ 25,40,41,584 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યુ છે, જેમાંથી ગઈકાલે જ 13,64,205 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.
કોવિડ -19 ની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે. આજે રાત્રે 8 વાગ્યાથી મુંબઇ, પુણે, નાગપુર અને મહારાષ્ટ્રના તમામ શહેરો અને જિલ્લાઓમાં સોમવારે સાંજે 7 વાગ્યા સુધી સજ્જડ લોકડાઉન થવાનું છે, કારણ કે નાઇટ કર્ફ્યુ અને વીકએન્ડ લોકડાઉન અમલમાં આવશે. આવશ્યક સેવાઓ સિવાયની કોઈપણ વસ્તુને મંજૂરી આપવામાં આવશે નહીં. મુંબઈ ઓથોરિટીએ શહેર માટે અલગ માર્ગદર્શિકા જારી કરી છે.