મોરબીમાં બે પક્ષો વચ્ચે માથાકૂટ થતા સામસામે ફરીયાદ નોંધાઈ
મોરબી શહેરમાં આવેલ યદુનંદન પાર્કમાં એડ્રેસ પુછવા બાબતે બે પક્ષો વચ્ચે બબાલ થતા સામસામે મારમારી થઈ હતી જે બાદ બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ સામસામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મોરબીના શનાળા રોડ પર ઉમીયા સર્કલ પાસે યદુનંદન પાર્ક -૦૨ માં રહેતા જયરાજસિંહ કીરતીસિંહ જાડેજા (ઉ.વ.૪૫) એ આરોપી ભરતભાઇ નિમાવત તથા તેની સાથે આવેલ અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની દિકરીએ આરોપીના ભાણેજ સાથે ભાગીને લગ્ન કરેલ હોય જે બાબતે તેઓ ક્યાં રહે છે તે પુછતા હોય ત્યારે તેનું એડ્રેસ સાહેદ પુછતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ ફરીયાદી તથા સાહેદને ગાળો આપી ઢીકાપાટુનો મારમાર્યો હોવાની આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે મોરબીના કેનાલ રોડ પર આવેલ યદુનંદન પાર્ક -૦૨ માં રહેતા ભરતભાઇ નારાયણદાસ નિમાવતે આરોપી ભરતસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, તથા શક્તીસિંહ જાડેજા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ભાણેજે આરોપીની દિકરી સાથે લવ મેરેજ કરી લીધા હોય જે બાબતે તેઓ ક્યાં રહે છે તેનું એડ્રેસ આરોપીઓને પુછતા આરોપીઓએ એકદમ ઉશ્કેરાઇ ફરીયાદી તથા સાહેદને ઢીકાપાટુનો તથા લાકડાના ધોકા વડે માર માર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.