વાંકાનેરના જાલસીકા ગામની સીમમાં ફરતો દિપડો આખરે પાંજરે પુરાયો; પાડીનુ કર્યું મારણ
વાંકાનેર તાલુકાના જાલસીકા ગામની સીમમાં છેલ્લા બે દિવસથી રાત્રીના દીપડાએ દેખા દેતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જેથી બાબતે સ્થાનિક નાગરિકોએ વનવિભાગને જાણ કરતા વનવિભાગ દ્વારા દિપડાને પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યા હતા, જેમાં ગત રાત્રીના સમયે એક દીપડો પાંજરે પુરાતા સ્થાનિક ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.
છેલ્લા કેટલાક સમયથી વાંકાનેરના જાલસીકા વિસ્તારને દિપડાઓએ પોતાનું રહેઠાણ બનાવ્યું હોય, ત્યારે માનવ વસાહતમાં દીપડાનાં આટાફેરાથી સ્થાનિક નાગરિકો, ખેડૂતો તથા માલધારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હોય ત્યારે ગતરાત્રીના ૧૧ વાગ્યાની આસપાસ ખેડૂત માધવ સુભાષભાઈ લોખીલની વાડી પાસે દિપડાએ એક પાડીનું મારણ કર્યું હતું, જે બાદ દિપડો વન વિભાગે અહીં મુકેલ પાંજરામાં પકડાઇ ગયો હતો, જેને વન વિભાગની ટીમ દ્વારા અહીંથી રામપરા વિડી ખાતે ખસેડવામાં આવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓની સુચના મુજબ સુરક્ષિત સ્થળે મુક્ત કરવામાં આવશે તેમ જવાબદાર અધિકારીએ જણાવ્યું છે.