2020 માં કરોડો રૂપિયાનુ નુકશાન થયા બાદ આ વર્ષે ફિલ્મ ઉદ્યોગમાં સુધારણા થવાની ધારણા હતી, પરંતુ માર્ચ મહિનામાં કોરોના વાયરસ રોગચાળાની બીજી લહેરને કારણે બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગ ચિંતામાં મુકાઈ ગયું છે. ખાસ કરીને, મહારાષ્ટ્રમાં કોવિડ -19 કેસના વધારાને કારણે ફિલ્મના વ્યવસાય પર અસર થવાની સંભાવના છે. દેશમાં ફરી એકવાર કોરોના વાયરસની ગતિ ઝડપથી વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 81 હજારથી વધુ નવા કેસ બહાર આવ્યા છે. આ કિસ્સાઓમાં મોટાભાગના કેસ મહારાષ્ટ્રના છે, ત્યારબાદ માનવામાં આવે છે કે મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં કોવિડ -19 ની ગતિ રોકવા માટે કડક પગલા ભરી શકે છે. આથી રાજ્યમાં લોકડાઉન થવાની શક્યતા છે, જેના સંકેત શુક્રવારે રાત્રે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનમાં આપ્યા હતા. જો આવું થાય, તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ફરી એક પડકારનો સામનો કરવો પડશે, કેમ કે મુંબઇ ફિલ્મ જગત માટેનું મહત્વનું સ્થાન છે. અને ઘણી મોટી ફિલ્મો એપ્રિલ-મેમાં રિલીઝ થવાની છે. લોકડાઉનથી સૌથી વધુ અસરગ્રસ્ત લોકો તે છે જે થિયેટરોમાં રોજગાર અર્થે જોડાયેલ છે. તેથી, લોકડાઉનની આહટથી મલ્ટિપ્લેક્સ એસોસિએશનની ચિંતામાં વધારો કર્યો છે.
એપ્રિલની વાત કરીએ તો કંગના રનૌતની ફિલ્મ થલાઈવી 23 એ રિલીઝ થવા જઈ રહી છે. અત્યાર સુધીના અહેવાલ મુજબ કંગનાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેની ફિલ્મ નિર્ધારિત તારીખે જ આવશે. આના એક અઠવાડિયા પછી, અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી 30 એપ્રિલના રોજ થિયેટરોમાં આવાની છે. હજી સુધી તેની રીલીઝને મોકૂફ રાખવાની કોઈ સૂચના મળી નથી. પ્રેક્ષકોની સાથે થિયેટર માલિકો પણ આ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. મેમાં જે બે મોટી ફિલ્મની રાહ જોવાઈ રહી છે તેમાં બે મોટી ફિલ્મોમાં સલમાન ખાનની રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ અને જ્હોન અબ્રાહમની સત્યમેવ જયતે 2 શામેલ છે, જે 13 મેના રોજ થિયેટરોમાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાધેની ટીમે હજી સુધી ફિલ્મની રિલીઝ ડેટ મુલતવી રાખવાનો નિર્ણય લીધો નથી. હાલ પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. ફિલ્મ સાથે જોડાયેલા એક સ્ત્રોતે કહ્યું હતું કે રાધેનું ટ્રેલર પણ તૈયાર છે. જો કે, હજી સુધી તેની રિલીઝની તારીખ નક્કી કરવામાં આવી નથી. મહારાષ્ટ્રની પરિસ્થિતિ કેવી બદલાય છે તેના પર નિર્ભર રહેશે. યશરાજ બેનરે તેની ફિલ્મ બંટી ઔર બબલી 2 ની રિલીઝ મોકૂફ કરવાની જાહેરાત કરી, જે 23 એપ્રિલે આવવાની હતી. અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મીની ફિલ્મ ચેહરે હવે 9 એપ્રિલે રિલીઝ થશે નહીં. આવી સ્થિતિમાં, દરેકની નજર હવે તે મોટી ફિલ્મો પર છે, જેની રિલીઝ સાથે ફિલ્મ ઉદ્યોગ, ખાસ કરીને થિયેટર ઓપરેટરોએ સારા દિવસની આશા રાખી હતી.