મોરબી: “કૃષિ રાહત પેકેજ” મેળવવા માટેની અરજીની સમય મર્યાદામાં વધારો કરવા કોંગ્રેસની માંગ
મોરબી: રાજ્યમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર-૨૦૨૪ માસમાં થયેલ ભારે વરસાદના કારણે થયેલ પાક નુકસાન અન્વયે “ખાસ કૃષિ રાહત પેકેજ-૨૦૨૪” ના નુકસાનીનું વળતર મેળવવાની ઓનલાઈન અરજીની સમય મર્યાદામાં વધારો કરી આપવા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે રાજ્યના કૃષિ મંત્રીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ રાજ્યના કૃષિ મંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે રાજયમાં ચાલુ વર્ષે ઓગસ્ટ માસના અંતમાં અને સપ્ટેમ્બર માસની શરૂઆત દરમ્યાન થયેલ ભારે વરસાદના કારણે દરેક જીલ્લાઓમાં ખેતી અને બાગાયતી પાકોમાં અતિવૃષ્ટીના કારણે ખેતરોનું ધોવાણ તથા પાણી ભરાઈ જવાથી ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાની થયાના અંદાજો કૃષિ મંત્રીને વહીવટી તંત્ર દ્વારા મળેલ છે. જેના અનુસંધાને અતિવૃષ્ટીથી થયેલ પાક નુકસાન અન્વયે “ખાસ કૃષિ રાહત પેકેજ- ૨૦૨૪” ની જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં નુકસાનીના ફોર્મ ભરવાનો સમયગાળો તા.૨૫/૧૦/ ૨૦૨૪ થી તા.૩૧/૧૦/ ૨૦૨૪ સુધીનો આપવામાં આવેલ છે. પરંતુ હાલમાં દિવાળીનો તહેવાર હોય, સરકારી સાઈટોમાં વધુ લોડ પડવાના કારણે ફોર્મ ભરવાના સરવરમાં તકલીફો જણાતી હોય, આટલા ટુંકા ગાળામાં દરેક ખેડુતોના ફોર્મ ભરવાનું શક્ય નથી.
જેથી ખેડુતોને અતિવૃષ્ટીથી થયેલ નુકસાનીનું વળતર ચુકવવા માટે ઓનલાઈન ફોર્મની સમય મર્યાદા ૧૫ દિવસ લંબાવી આપવા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે રાજ્યના કૃષિ મંત્રીને લેખિત રજૂઆત કરી છે.