મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને લઈને કોંગ્રેસે ગૃહમંત્રીને કરી રજુઆત
મોરબી: મોરબી જીલ્લામાં મર્ડર, ચોરી, લુંટ, ખનીજ ચોરી, વ્યાજખોરી દારૂનું વેચાણ વગેરે સમસ્યાઓ માઝા મુક્યા છે ત્યારે મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોવાથી મોરબી જિલ્લામાં નિષ્ઠાવાન પોલીસ અધિકારીની નિમણૂક કરી મોરબી જીલ્લાને ગુનાહિત પ્રવૃત્તિમાથી મુક્ત કરવા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મોરબી જીલ્લા લોકો વતી રાજ્યના ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરી છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ રાજ્યના ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોય તેમ લાગી રહયું છે. મોરબી જીલ્લામાં છેલ્લા ૧૦ દિવસમાં પાંચ મર્ડરના બનાવ પ્રકાશમાં આવ્યા છે. મોરબી જીલ્લામાં લોકોને પોલીસનો ડર જ ન હોય તેમ લોકો મર્ડર કરી રહયા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોતા મોરબી જીલ્લો જાણે બિહારમાં પરિવર્તિત થઈ રહ્યો હોય તેવું લાગી રહયું છે.
હજુ થોડા સમય પહેલા ૨૪ કલાકમાં આવી ચાર ઘટનાઓ બનેલ હતી. જે અંગે ગૃહમંત્રીને રજુઆત પણ કરેલ હતી પરંતુ મોરબી જીલ્લામાં માણસ મારવું કે કુતરૂ મારવું બંને સરખું બની ગયું છે. મોરબી જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી મર્ડર, ચોરી, લુંટ, ખનીજ ચોરી, વ્યાજખોરી, દારૂ તથા નશાકારક પદાર્થોનું સેવન કરતા લોકોનું પ્રમાણ ખુબ જ પ્રમાણમાં વધી ગયેલ છે. પોલીસ ખાતુ તો જાણે મોરબીમાં કશુ બનતું જ ન હોય તેમ વર્તી રહી છે અને આવી પ્રવૃતિઓ કરનાર લોકોને તો જાણે પોલીસ ખાતુ પ્રોત્સાહન આપી રહ્યું હોય તેમ લાગી રહયું છે.
મોરબી જીલ્લામાં મર્ડર, ચોરી, લુંટ, ખનીજ ચોરી, વ્યાજખોરી, દારૂ તથા નશાકારક પદાર્થોનું સેવન કરતા લોકોનો ધંધો રાજકીય ઓથ હેઠળ જોરશોરથી ચાલી રહયો છે. જેમાં રાજકીય નેતાઓ તથા પોલીસ ખાતુ મદદગાર હોય તેવું જણાય રહયું છે. જો આજ પરિસ્થતિ રહેશે તો મોરબીમાંથી મિરજાપુર થતાં વાર નહીં લાગે અને મોરબીની જનતાનો પોલીસમાંથી વિશ્વાસ ઉઠી જશે.
જેથી મોરબી જિલ્લામાં પ્રમાણીક અને નિષ્ઠાવાન વાઈટ કોલર પોલીસ અધિકારીની નિમણુંક કરી મોરબી જીલ્લાને આવી ગુન્હાહિત પ્રવૃતિઓમાંથી મુક્ત કરવા, ગુનેગારોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી મોરબી શહેર અને જીલ્લાના લોકો વતી મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.