આયોજક પીધેલા પકડાય તો ગરબા બંધ: ગૃહમંત્રીની ચેતવણી
રહેણાંક વિસ્તારોમાં હેરાનગતિ ન થાય તેવું સુનિશ્ચિત કરવું, ચાર મહાનગરોના ૧૨૦ ગરબા આયોજકો સાથે બેઠક યોજતા હર્ષ સંઘવી
આવતીકાલથી મોરબી સહિત રાજ્યભરમાં ગુજરાતીઓના સૌથી મોટા પર્વ નવરાત્રીનો પ્રારંભી થયા જઈ રહ્યો છે ત્યારે આ નવરાત્રીના પર્વમાં આ વખતે પોલીસને નો ન્યુન્સ પોલિસીનો કડક અમલ કરાવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક સૂચના આપી છે. ગઈકાલે સાંજે રાજકોટ અમદાવાદ, વડોદરા અને સુરતના તમામ શહેર અને જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે ૧૨૦ થી વધુ અર્વાચીન ગરબા આયોજકો સાથે વિડિયો કોન્ફરન્સથી યોજાયેલી બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કેટલીક સુચનાઓ સાથે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો કોઈ ગરબા ગ્રાઉન્ડમાં દારૂ પીધેલું પકડાશે તો આ ગરબાને પોલીસ બંધ કરાવી દેશે.
નવરાત્રીમાં પોલીસ અધિકારીઓને નો ન્યુસન્સ પોલિસીનો અમલ કરાવવા તાકીદ કરી છે. આ વખતે નવરાત્રીમાં પોલીસની આ પોલિસી અમલમાં આવશે જેથી આગામી દિવસોમાં નવરાત્રીમાં જો ન્યુસન્સ ફેલાવશે તો પોલીસ ડાંડીયા સાથે ડંડો ચલાવી આવા ટપોરીઓને પોલીસ લોકઅપમાં ડાંડીયા રમાડશે. ગૃહ રાજ્યમંત્રીએ બે કલાક સુધી યોજેલી આ મેરેથોન બેઠકમાં કેટલીક સુચનાઓ આપવામાં આવી હતી. જેમાં નવરાત્રિમાં મોડે સુધી ગરબાની છુટ વચ્ચે કાયદો અને વ્યવસ્થાનો ચુસ્ત અમલ પણ જરૂરી છે. આથી, આ વખતે તહેવારની પવિત્રતા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી રાજ્યની પોલીસને કાયદાનો કડક અમલ કરાવલા સાથે તકેદારી રાખવા સુચના આપવામાં આવી છે અને તમામ આયોજકોને પણ નિયમોનું પાલન કરવાસ્પષ્ટ સુચના આપવામાં આવી હતી.
વિડિયો કોન્ફરન્સમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આયોજકોને જ મુખ્ય માર્ગથી અંદર ગરબાનું ગ્રાઉન્ડ હોય તો લાઈટિંગની પુરતી વ્યવસ્થા કરવા, ગરબાના ગ્રાઉન્ડ ઉપર બિલ્લા લગાવી હિરોગીરી કરતો મેનેજમેન્ટ અને સિક્યોરિટી સ્ટાફ ન રાખવા ખાસ સૂચવ્યું હતું. એટલુ જ નહિ, જો કોઈ ગ્રાઉન્ડમાં દારૂ પીધેલી હાલતમાં કોઈ વ્યક્તિ મળી આવશે તો પોલીસને એ ગરબા તરત જ બંધ કરાવીને બાકીના દિવસોની પરવાનગી રદ્દ કરવા કહ્યુ હતુ. નવરાત્રિમાં વેપાર, ધંધા અને ખાસ કરીને દુકાનો, રેસ્ટોરેન્ટ કે નાના ફેરિયાની આસપાસ લુખ્ખા તત્વો ઉપર વોચ રાખવા, શંકાસ્પદ હરકતો કરનારા સામે જાહેરમાં તવાઈ બોલાવા પણ તેમણે પોલીસે આદેશ કર્યો હતો. ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કોઈ પણ સંજોગોમાં કથળે નહી તેની ખાસ તકેદારી રાખવાની સુચના પણ આપવામાં આવી હતી. પોલીસના સર્વેલન્સને વધુ સઘન કરીને નવરાત્રિમાં દરેક રાતે સિનિયર આઈપીએસને ગ્રાઉન્ડ ઉપર, રસ્તા ઉપર રૂબરૂ જઈને અને CCTV નેટવર્કથી મોનિટિંગ કરવા કહીને તેમણે દરેક પોલીસ કમિશનરો અને જિલ્લો પોલીસ અધિક્ષકોને છેક પીઆઈ- પીએસઆઈ સુધી આ તમામ સુચનાઓ પહોંચાડીને ૧૦ દિવસનો એક્શન પ્લાન તૈયાર કરવા કહ્યું છે.ગૃહ રાજ્યમંત્રીએ ચારેય મહાનગરના પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને નવરાત્રીમાં કોઈપણ ન્યુસન્સ ન ફેલાઈ તે માટે કડક કાર્યવાહી સાથે ચેકીંગ કરવા સુચના આપી હતી. આ બેઠક બાદ આજે પોલીસ કમિશ્નર અને જિલ્લા પોલીસ વડા દ્વારા તેમના તાબા હેઠળના શહેર અને જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરીને ગૃહ રાજ્યમંત્રીએ કરેલી સુચનાઓ અંગે નીચેના અધિકારીઓને સુચના આપવામાં આવશે અને નવરાત્રી મહોત્સવ દરમિયાન કોઈપણ ન્યુસન્સ ન ફેલાય તે માટે જરૂરી પગલાં ભરી કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવશે.