ફળો અને શાકભાજીની જેમ, એવી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ છે જે ફૂલોથી બને છે. ખાસ વાત એ છે કે ફૂલોથી બનેલુ આ શાક સ્વાદિષ્ટની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તમે આ ફૂલનું શાક રાત્રિભોજન અથવા બપોરના ભોજન માટે બનાવી શકો છો. જો તમને દરરોજ એક પ્રકારની શાકભાજી ખાવાથી કંટાળો આવે છે, તો પછી તમે ફૂલોથી બનેલી આ વાનગીઓ અજમાવી શકો છો. ગુલમોહરના ફૂલો દેખાવમાં ખુબ જ સુંદર છે, પરંતુ શું તમે જાણો છો કે તેનુ શાક પણ બનાવવામાં આવે છે. આટલું જ નહીં ગુલમોહર ઉપરાંત પપૈયાના ફૂલનું પણ શાક સ્વાદિષ્ટ લાગે છે. અમે ગુલમોહરના ફૂલોથી બનતી ખૂબ જ સરળ અને ત્વરિત વાનગી વિશે જણાવીશું.
સામગ્રી
રાઈના દાણા – 1 ચમચી
વરિયાળી – 1 ચમચી
આખા લાલ મરચાં – 4
આખા ધાણા – 1 ચમચી
હળદર – અડધી ચમચી
મીઠું – સ્વાદ પ્રમાણે
ગુલમહોર ફૂલની પાંદડીઓ – 20 થી 25
ડુંગળી – 1
લસણની કળીઓ – 5 થી 6
ટામેટા – 2
કોથમરી – સુશોભન માટે
તેલ – 2 ચમચી
બનાવવાની રીત
સૌ પ્રથમ મિક્સર જારમાં બે આખા લાલ મરચા, હળદર, લસણની કળીઓ, અને પાણીને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. ગેસ ચાલુ કરો અને તપેલી મુકો જ્યારે તે ગરમ થાય ત્યારબાદ તેમાં તેલ નાંખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને વરિયાળી નાખો પછી લસણ અને હળદર બંનેની પેસ્ટ ઉમેરો. આ દરમિયાન, ચમચીથી હલાવો અને બે મિનિટ માટે ફ્રાય કરો. ત્યારબાદ જીણી સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળી સરખી રીતે રંધાઈ જાય અને તેમાંથી તેલ છૂટું પડે ત્યારબાદ તેમાં જીણા સમારેલા ટમેટા ઉમેરો. ટમેટા ઉમેરાઈ જાય ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી તપેલીને ઢાંકી દો. બે મિનિટ પછી ગુલમહોરના પાંદડાને સારી રીતે ધોઈ તેમાં ઉમેરો અને તેને સારી રીતે તેમાં મિક્સ કરી લો. એક બે મિનિટ માટે ફરીથી તેને ઢાંકી દો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો. પાંચથી છ મિનિટ તેને રાંધો ત્યાર બાદ તેમાં કોથમરી નાખીને પીરસી શકો છો.