વાંકાનેર ખાતે નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
વાંકાનેરમાં સેવા સેતુ સેવા યજ્ઞ બન્યો; અરજદારોની ૬૮૦ અરજીનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરાયો
મોરબી જિલ્લામાં આજરોજ વાંકનેર ખાતે નગરપાલિકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં અરજદારોની ૬૮૦ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં હાલ સમગ્ર રાજ્યમાં સેવા સેતુના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વાંકાનેર ખાતે નગરપાલિકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.
સરકાર દ્વારા લોકોને જરૂરી તમામ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બની રહે જ સ્થળે મળી રહે અને સરકારી યોજનાઓ કે સેવાઓનો લાભ લેવામાં તેમને કોઈ સમસ્યા ન આવે તેવી હેતુથી સેવા સેતુના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે વાંકાનેર નગરપાલિકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમમાં નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સેરૈયાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રના ૧૩ જેટલા વિભાગોની ૫૫ જેટલી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. લોકોએ બહોળા પ્રમાણમાં આ સેવાઓનો લાભ લીધો હતો. જ્યાં વિવિઘ સેવાઓ અર્થે અરજદારો દ્વારા કરવામાં આવેલી ૬૮૦ અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો.