મોરબીના જેતપર ખાતે તાલુકા કક્ષાના સેવા સેતુનો શુભારંભ કરાયો
સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પારદર્શકતા સાથે વ્યક્તિલક્ષી પ્રશ્નોનો ત્વરિત નિકાલ થાય તેવા અભિગમ સાથે સેવા સેતુનો જિલ્લામાં આરંભ
આજે તારીખ ૧૭ સપ્ટેમ્બરથી સમગ્ર રાજ્યમાં સેવા સેતુનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ તાલુકા કક્ષાએ તેમજ નગરપાલિકા કક્ષાએ આયોજિત વિવિધ કાર્યક્રમો અન્વયે મોરબીમાં જેતપર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીની અધ્યક્ષતા હેઠળ સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પારદર્શકતા સાથે વ્યક્તિલક્ષી પ્રશ્નોનો ત્વરિત નિકાલ થાય તેવા ઉમદા અભિગમ સાથે સેવા સેતુ કાર્યક્રમનો ૧૦ મો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. ત્યારે મોરબીમાં જેતપર ખાતે મોરબી તાલુકા કક્ષાએ લોકોને જરૂરી સરકારી સેવાઓ ઘર આંગણે પહોંચાડવાના અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખએ આ પ્રસંગે સેવા સેતુના અભિગમ થકી લોકોના જીવનમાં આવેલા પરિવર્તનોની વિગતે વાત કરી હતી. સ્વચ્છતા અભિયાન વિશે વાત કરતા તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઘર ઘર સુધી શૌચાલય પહોંચાડવાના અભિગમની સરાહના કરી હતી.
મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, લોક પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ થઈ જાય અને લોકોને ક્યાંય ધક્કા ન ખાવા પડે તે માટે સરકાર દ્વારા આ સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરાવ્યો છે જેનો લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લેવો જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબી ઔદ્યોગિક જિલ્લો છે ત્યારે સૌ જિલ્લા વાસીઓ એક પેડ મા કે નામ અભિયાનમાં જોડાઈ વૃક્ષો વાવે અને સ્વચ્છતા હી સેવા અન્વયે ઘર, શેરી, મહોલ્લા સ્વચ્છ બનાવી આ સેવા કાર્યમાં જોડાય તેવી અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ભારત દેશે કલ્યાણકારી વિચારધારા અપનાવી છે, ત્યારે લોક કલ્યાણકારી સેવાઓ અને યોજનાઓ લોકોને ઘર સુધી પહોંચાડવા માટે આ સેવા સેતુ સરકારનું ઉમદા કાર્ય છે.
આ પ્રસંગે નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન. એસ. ગઢવી, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ અને તાલુકા પંચાયતના સભ્યઓ, જેતપર તેમજ ક્લસ્ટર હેઠળના વિવિધ ગામના ગ્રામજનો તેમજ લોકોને વિવિધ સેવાઓ આવેલા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.