મોરબીમાં જિલ્લા મહદ્અંશે તમામ ગ્રામીણ માર્ગોનું સમારકામ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરી દેવાયો
માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે પેચ વર્ક સહિતની કામગીરી હાથ ધરી જિલ્લાના આંતરિક માર્ગો શરૂ કરાયા
મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ માર્ગોનું સમારકામ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. નેશનલ અને સ્ટેટ હાઇવેની સાથે જિલ્લાના ગામડાઓને એકબીજા સાથે જોડતા આંતરિક માર્ગોનું પણ સમારકામ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં ગ્રામીણ માર્ગોનું મહદ્અંશે સમારકામ કરી દેવામાં આવ્યું છે.
મોરબી જિલ્લામાં પડેલા અનુરાધાર વરસાદને પગલે અનેક સ્થળોએ માર્ગોનું ધોવાણ થયું હતું. જિલ્લાના ગ્રામીણ માર્ગોમાં પણ રોડ નું ધોવાણ ખાડા પડવા તેમજ કોઝવે ધોવાણ સહિતની ઘટનાઓ બની હતી. વરસાદી વિરામ લેતા જ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે આ માર્ગો નું સમારકામ હાથ ધરી દેવામાં આવ્યું હતું. રાજ્યના તમામ માર્ગો શક્ય તેટલી ઝડપે પૂર્વવત બને તે માટે સરકાર કટિબદ્ધ છે. ત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ માર્ગોનું સમારકામ કરી લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે બાબતની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
મોરબી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા વરસાદે વિરામ લેતા જ જિલ્લાના માર્ગોનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે અન્વયે નુકસાન થયેલા મોરબીના ધુળકોટ – બાળગંગા – કોયલી રોડ, લગધીરપુર થી નેશનલ હાઇવે ને જોડતો રોડ, ટંકારા તાલુકાના સાવડીથી નેસડાને જોડતો રોડ, ગાળાથી શાપર, રવાપર(નદી)નો રોડ સહિત મહદ્અંશે તમામ માર્ગો પર મેટલ પાથરી, પેચ વર્ક કરી સહિતની કામગીરી તાત્કલિક હાથ ધરી સમારકામ હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વવત કરી દેવામાં આવ્યો છે.