ભારે વરસાદથી અસરગ્રસ્ત આમરણ મોરબીને જોડતા મહત્વના માર્ગ પર યુદ્ધના ધોરણે કરાઈ રહી છે સમારકામની કામગીરી
તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરી ધોવાયેલ માર્ગ રીપેર કરી વાહન વ્યવહાર પુર્વવત કરી દેવાયો;તંત્રની સરાહનીય કામગીરી
ભારે વરસાદ બાદ સમગ્ર જિલ્લામાં યુદ્ધના ધોરણે રોડ રસ્તા સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગ અને મકાન પંચાયત, નેશનલ હાઇવે તેમજ નગરપાલિકાઓ દ્વારા રોડ રસ્તા સમારકામ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
ગુજરાત રાજ્યમાં વરસાદે આશિક વિરામ લેતા જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તમામ જિલ્લાઓમાં તાત્કાલિક ધોરણે રોડ રસ્તાઓનું સમારકામ થઈ જાય અને લોકોને કોઈ પણ મુશ્કેલી ન પડે તે માટે સૂચના આપવામાં આવી હતી. ત્યારે મોરબીમાં જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ રસ્તાઓ રીપેર કરી વાહન વ્યવહાર તાત્કાલિક ધોરણે પૂર્વવત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે હાલ મોરબીના જીવાપર આમરણ રોડ પર રસ્તો રીપેર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. મોરબી થી આમરણ ને જોડતો મહત્વનો માર્ગ કેટલીક જગ્યાઓએ વરસાદી પાણીના ભારે પ્રવાહના કારણે ધોવાઈ જવા પામ્યો હતો. વરસાદ બંધ થતા જ તાત્કાલિક ધોરણે આ રસ્તો રીપેર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલ તમામ સ્થળોએ રોડ રીપેર કરી વાહન વ્યવહાર પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. જેથી આ રોડ ઉપર અવરજવર માટે લોકોને સરળતા રહેશે.