કાંતિભાઈ અમૃતિયાને તલાટી મંત્રી પર રોફ જમાવો પડ્યો ભારે; કોંગ્રેસ પ્રમુખે પત્ર લખી માગ્યા કેટલાક જવાબ
મોરબી: બે-ત્રણ દિવસ પહેલા એક તલાટી કમ મંત્રીને સસ્પેન્ડ કરવાની ધમકી આપીને જનતા સમક્ષ રોફ જમાવતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને પત્ર લખી મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ કેટલાક પ્રશ્નો પુછ્યા હતા અને તેના જવાબો માગ્યા છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને પત્ર લખી લેખિતમાં જણાવ્યું છે કે તાજેતરમાં બે-ત્રણ દિવસ પહેલા આપના દ્વારા એક તલાટી કમ મંત્રીને સસ્પેન્ડ કરવાની ધમકી આપીને જનતા સમક્ષ રોફ જમાવવાની કોશિશ કરેલ છે. તમે છેલ્લા ૨૫ (પચ્ચીસ) વર્ષથી મોરબી-માળીયા વિધાનસભાના ધારાસભ્ય છો. છતાંય સમગ્ર મોરબી જીલ્લામાં અને ખાસ કરીને મોરબી શહેરના અનેક વિસ્તારોમાં માત્ર એકથી દોઢ ઈચ વરસાદ પડવાથી પાણી કેમ ભરાઈ જાય છે. તો ધારાસભ્ય તરીકે તમારી અને ભાજપ પાર્ટીની બેદરકારી અને નિષ્ફળતાનો જવાબ આપો…? તમે એક સમયે કહેતા હતા કે મોરબી નગરપાલીકાની તિજોરી સાફ કરી નાખી છે. છતાં પણ તમે મૌન કેમ. ?
કરોડો રૂપિયાની આવાસ યોજના હોય કે નંદીઘર હોય, શું ૪૫ (ડી) મુજબના કામમાં ભ્રષ્ટાચાર થયો નથી. ?
મોરબીને પેરીસ બનાવવું છે તેવા છેલ્લા ૨૫ (પચ્ચીસ) વર્ષથી મોરબીની જનતાને દિવા સ્વપ્નો બતાવ્યા પછી આજે મોરબીમાં ખાડા કે ખાડામાં મોરબી તેનો ઉકેલ ક્યારે.?
મોરબીમાં ડ્રગ્સ સહિતના નશાકારક દ્રવ્યો મળતા થયા તે ખરેખર મોરબી માટે દુ:ખદ ન કહી શકાય. ?
હાલમાં ભાજપની સરકારમાં મોરબીમાં માત્ર પેટ્રોલ-ડીઝલના કાળા બજારીયા અને વ્યાજખોરોનો જ વિકાસ થયો છે. જનતા તો એક ઈંચ વરસાદમાં પણ પાણી પાણી થઈ જાય છે. જેથી સામાન્ય કર્મચારી ઉપર ખોટો રોફ જમાવી, ધમકી આપી, હિરોગીરી કરવાના બદલે સમગ્ર મોરબી જીલ્લામાં રખડતા ઢોર, ગેરકાયદેસર બાંધકામ, ખાડા, કચરાના ઢગલા, ગંદકી વગેરે બાબતે ધ્યાન આપો.
વધુમાં જણાવ્યું હતું કે, મોરબી જીલ્લામાં સરકારી કર્મચારીઓ ઉપર ખોટો રોફ જમાવતા વીડીયો સોશિયલ મીડીયામાં મુકવા કરતા લોકોની પ્રાથમિક જરૂરીયાતને ધ્યાને લઈ જનતાના પ્રતિનિધિ તરીકે વિકાસના કામો કરો. નગરપાલીકામાં થયેલા ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરી જવાબદારોને ખુલ્લા પાડી તેને છાવરવા કરતા તેમની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરો. મોરબીની જનતા તમને સારી રીતે જાણે જ છે. જેનો જવાબ આગામી દિવસોમાં મોરબીની જનતા આપશે.