રવાપર ગ્રામપંચાયત ભર ચોમાસે પણ પાણી આપવામાં સરેઆમ નિષ્ફળ
ચાર દિવસથી રવાપરના અનેક વિસ્તારોમાં પાણી નહી આવતા લોકોના તહેવાર બગડ્યા
પાણી પુરવઠા મંત્રી અને ટંકારાના ધારાસભ્યના પાણી આપવાના દવા પોકળ સાબિત થયા
મોરબી: મોરબીના રવાપર ગામે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ પાણીનો ટાંકો સોભાના ગાંઠીયા સમાન છે કેમકે તહેવારોના સમયે પણ રવાપર ગામ, લોટસ, શ્રીરામ, ફ્લોરા સહિતની અનેક સોસાયટીઓમા પીવાનું પાણી ન મળતાં લોકોને ભર ચોમાસે પીવાના પાણી માટે વલખાં મારવાં પડી રહ્ય છે.
હાલ સાતમ આઠમના તહેવાર ઉપર હતા તેમ છતા રવાપરના લોટસ, શ્રીરામ, ફ્લોરા સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં જન્માષ્ટમીના તહેવાર પણ પાણીની પરોજણ જોવા મળી હતી. રવાપર ગ્રામ પંચાયત ભર ચોમાસે પણ રવાપરના અનેક વિસ્તારોમાં પાણી આપવામાં નીષ્ફળ નીવડી છે.ત્યારે થોડા સમય પહેલા રવાપર ખાતે લાખો રૂપિયાના ખર્ચે પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો જેનું કેબીનેટ મંત્રી દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું અને લોકોને સમયસર પાણી મળી રહેશે તેવુ આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ આ મોરબી છે અહીં કોઈપણ જીવન જરૂરિયાતની પ્રાથમીક સુવીધાઓ સમયસર આજ સુધી મળી નથી. ત્યારે રવાપરના અનેક વિસ્તારોમાં છેલ્લા ચાર પાંચ દિવસથી પીવાનું પાણી ન મળતાં લોકોને ભર ચોમાસે પાણીની હાલકી ભોગવવાનો વારો આવ્યો છે. અને ઉપરથી જન્માષ્ટમીનો તહેવાર હોવાથી લોકોના ઘરોમાં મહેમાન પણ હોય અને પાણી નહી આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
જ્યારે હાલ રવાપરના અનેક વિસ્તારોમાં પિવાના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે ત્યારે રવાપર ગ્રામ પંચાયતે તાળુ લટકતું જોવા મળી રહ્યું છે. કેમકે જો ગ્રામ પંચાયત ખુલ્લી રાખે તો લોકોને જવાબ આપવા પડે માટે ગ્રામ પંચાયતને તાળુ મારી દેવામાં આવ્યું છે અને લોકો પાણીની સમસ્યા બાબતે રજુઆત કરવા જાય તો સરપંચ અધિકારીઓને અને અધિકારીઓ ધારાસભ્યને બધા એકબીજાને ખો દેતા જોવા મળે છે. ત્યારે જનતા રજુઆત કરે તો કોને કરે તે મોટો પ્રશ્ન છે? એકતરફ મોરબીમાં ચારે તરફ વરસાદી પાણી ભરાઇ ગયા છે લોકો બહારથી પણ પાણીના ટેન્કર મંગાવી શકે તેમ નથી. ત્યારે આવા કપરા સમયમાં લોકો પાણી માટે જાય તો જાય ક્યાં. ત્યારે રવાપર ગ્રામ પંચાયતને કોઈ રસ્તો કાઢી રવાપરના અનેક વિસ્તારોમાં પાણી પહોંચતું કરવું જોઈએ.