ગુજરાત રાજ્યની માધ્યમિક શાળાઓમાં ગણિત અને વિજ્ઞાન જેવા મહત્વના વિષયોમાં શિક્ષકોની 32 ટકા અને આચાર્યોના પદ માટે 80 ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે. 24 માર્ચ, 2021 ના રોજ વિધાનસભામાં આ માહિતી આપવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબદિયાના પ્રશ્નના લેખિત જવાબમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે માધ્યમિક શાળાઓમાં 671 આચાર્યોની મંજૂરી અપાયેલી જગ્યાઓમાંથી માત્ર 107 જગ્યાઓ ભરવામાં આવી છે.આ સાથે જ, માધ્યમિક શાળાઓમાં વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી શિક્ષકોની 2,120 જગ્યાઓમાંથી, 693 (32.68 ટકા) જગ્યાઓ ખાલી છે. શિક્ષણ વિભાગ માટેની અંદાજપત્રીય માંગ રજૂ કરતાં ચુડાસમાએ દાવો કર્યો હતો કે વિદ્યાર્થી-શિક્ષકનું પ્રમાણ સુધર્યું છે. મંત્રીએ કહ્યું કે પ્રત્યેક 40 વિદ્યાર્થીઓ માટે 1 શિક્ષક હતા. અગાઉના ગુણોત્તરની સરખામણીએ વર્તમાન દર મુજબ પ્રત્યેક 28 વિદ્યાર્થીઓ માટે 1 શિક્ષક છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગૃહને માહિતી આપી હતી કે છેલ્લા 5 વર્ષમાં રાજ્ય સરકારે 13,900 થી વધુ પ્રાથમિક શિક્ષકો અને 3,900 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની ભરતી કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 5,810 શિક્ષકોની ભરતી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.