કલ્યાણપર ગામનો ટંકારા નગરપાલિકા સાથે ભળવા માટે નનૈયો
કલ્યાણપર ગામને ટંકારા નગરપાલિકામાંથી બાકાત કરવા મુખ્યમંત્રી તથા રાજ્યપાલને રજૂઆત
ટંકારા: થોડા સમય પહેલા મોરબીને મહાનગરપાલિકા જાહેર કરાઈ અને ટંકારાને નગરપાલિકા જાહેર કરવામાં આવેલ છે ત્યારે કલ્યાણપર ગામને રાજકીય રોટલા શેકવા માટે ટંકારા નગરપાલિકામાં ભેળવેલ છે તેથી સમસ્ત ગામ દ્વારા મુખ્યમંત્રી, રાજ્યપાલ, કલેકટર તથા મામલતદારને કલ્યાણપર ગામને ટંકારા નગરપાલિકામાંથી બાકાત કરવા લેખિત રજુઆત કરી છે.
કલ્યાણપર ગ્રામજનો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યપાલ તથા મોરબી જીલ્લા કલેકટરને અને ટંકારા મામલતદારને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે કલ્યાણપર ગામ હાલ સુધી ગ્રામ પંચાયતથી વહીવટ કરવામાં આવતો હતો. જે સુયોગ્ય રીતે વહીવટ ચલતો હતો. ટંકારાથી કલ્યાણપર ગામ ટંકારાથી આશરે ૪ થી ૫ કિલો મીટર દૂર થાય છે. તમામ વહીવટી કામ ગ્રામ પંચાયત દ્વારા કલ્યાણપર ગામમાં જ થઇ જતા હતા. હવે નગરપાલિકા થતા સરકારી કામો કે વહીવટી કામો માટે ૫ કી.મી. દૂર મામલતદાર ઓફીસે સુધી ધક્કા ખવા પડશે. તે ઉપરાંત કલ્યાપર ગામને અંધારામાં રાખી તેમજ કોઈ પણ જાતની જાણ કર્યા વિના ટંકારા નગરપાલિકા સાથે જોડાણ કરેલ છે.
તો કયારે ઠરાવ થયેલ છે?, કોને કોને સહીઓ કરી ઠરાવ કરેલ છે ? ગ્રામ સભા કરેલ પણ છે ? સાધનિક કાગળો કયારે, કોની સહીથી આપેલ છે તે ગ્રામજનોને જાણ સુધા નથી. કલ્યાણપરની ગામની વસ્તી આશરે ૧૬૦૦ છે. તદઉપરાંત આર્યનગરની વસ્તી અને ટંકારાની વસ્તી નગરપાલિકા જેટલી થતી ન હોય. કોઇ પણ ઇન્ડસ્ટ્રીયલ ઝોન કે બીજી કોઇ પણ સવલત નથી તે ઉપરાંત કલ્યાણપર ગ્રામ પંચાયતને લાયક હોય અને ગ્રામ પંચાયત સારી અને સુયોગ્ય રીતે વહીવટ કરે છે. આ તો રાજકીય રોટલા શેકવા માટે પોતાના લાભ માટે નગરપાલિકા આપવામાં આવેલ છે. હાલ કલ્યાણપર ગ્રામજનોએ ઉગ્ર રોષ સાથે નગરપાલિકાનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે તેથી કલ્યાણપર ગામ ટંકારા નગરપાલિકામાંથી બાકાત થવા માંગે છે. જેથી કલ્યાણપર ગ્રામજનોની એક જ માંગ છે કે વહેલામાં વહેલી તકે કલ્યાપર ગામને ટંકારા નગરપાલિકામાંથી બાકાત કરવામાં આવે તેવી માંગ સાથે બસોથી વધુ લોકોએ સહિ કરી લેખિત રજૂઆત કરી છે.