મોરબીમાં મચ્છુ જળ હોનારત નિમિતે મૌન રેલી યોજી દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ
મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ તૂટી પડતા જળ હોનારત સર્જાઈ હતી જે હોનારતમાં અનેક નિર્દોષ નાગરિકોના અને પશુઓના મોત થયા હતા જે ગોઝારા દિવસની સ્મૃતિમાં અને દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા દર વર્ષે પરંપરાગત મૌન રેલી યોજી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવે છે.
૧૧ ઓગસ્ટ ૧૯૭૯ ના રોજ સર્જાયેલી મચ્છુ જળ હોનારતની આજે ૪૫ મી વરસીએ પરંપરાગત મૌન રેલી યોજાઈ હતી બપોરે સાયરન વગાડી દિવંગતોને સલામી આપી નગરપાલિકા કચેરીથી મૌન રેલી પ્રસ્થાન કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીલ્લા કલેકટર , જીલ્લા પોલીસ વડા, નગરપાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ, ફાયર વિભાગના જવાનો, પોલીસ જવાનો, અધિક કલેકટર, તમામ પક્ષોના રાજકીય આગેવાનો તેમજ મોરબી શહેરીજનો મૌન રેલીમાં જોડાયા હતા. જળ હોનારતના એ કાળા દિવસને આજે ૪૫ વર્ષ વીત્યા છતાં મોરબીવાસીઓ હજુ ભૂલી શકયા નથી મૌન રેલી નગરપાલિકા કચેરીથી મણીમંદિર નજીક બનાવેલ સ્મારક ખાતે પહોંચી હતી જ્યાં દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તો અનેક પરિવારો તેમના સ્વજનોને યાદ કરીને રડી પડ્યા હતા.