11 ઓગસ્ટ ગુજરાતના ઈતિહાસમાં કાળો દિવસ; મચ્છુ જળ હોનારતની આજે 45મી વર્ષી
મોરબી: આજે ૪૫ વર્ષ વીતી ગયા છે જળ હોનારતને જયારે મચ્છુ -૨ ડેમ તુટ્યો અને જળ એ જીવન વ્યાખ્યાને બદલાવી નાખીને જળ જ મોટી હોનારત લાવ્યું હતું.એવી હોનારત કે જેને સાડા ચાર દાયકા જેટલો સમય વીતી ગયો હોવા છતાં મોરબીવાસીઓ આજે પણ ભૂલી શક્યા નથી. મોરબી શહેરમા છેલ્લા ચાર દિવસથી મેઘરાજા તાંડવ કરી રહ્યા હતા ત્યારે તારીખ ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ અનરાધાર વરસાદ વરસતા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમ તુટી પડયો અને ચાર તરફ વિનાશ નોતર્યો. અત્ર તત્ર સર્વત્ર જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું. ચારે તરફ લોકોની ચિચિયારીઓ જ સંભળાઈ રહી હતી.
તા. ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ નો એ દિવસ અને સમય હતો બપોરના ત્રણ વાગ્યાનો જયારે મોરબીમાં સમાચાર વહેતા થયા હતા કે, ત્રણ ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદ અને ઉપરવાસની પાણીની સતત થઈ રહેલી આવકને કારણે મચ્છુ-૨ ડેમ તુટી ગયો છે. ત્યાં તો શેરીઓમાં ભાગો ભાગો પુર આવ્યું હોનારત આવ્યુંની બુમો પાડવા લાગી ઘરમાં આરામ કરતા લોકો બેબાકળા બની ગયા ત્યાં તો પાણીના ધસમસતા પ્રવાહે લોકોને ઘેરી લીધા હતા.
ભયના માર્યા લોકો પોતાનો જીવ બચાવવા જ્યાં આશ્રય મળ્યો તે બાજુ દોડા દોડી કરી રહ્યા હતા કોઈ ઊંચી ઈમારતો પર, તો કોઈ વૃક્ષ પર તો કોઈએ ઉંચા વીજ પોલ આશ્રય લીધો પરંતુ પ્રચંડ પુરની સામે ઈમારતો કે દિવાલો કે વૃક્ષો કે વીજ પોલ ટકી શક્યા નહી અને બેબસ બંનેલ મનુષ્ય ચિસો પાડતા પાડતા મોતને ભેટી રહ્યાં હતા. જ્યાં નઝર કરો ત્યાં માનવ, પશુઓનો વિનાશ વિનાશ ને વિનાશ!
એક પળમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા કોઈ પોતાના માત-પિતા ગુમાવ્યા તો કોઈ પોતાના બાળકો ગુમાવ્યા તો કોઈને આખો પરિવાર ગુમાવવાનો વારો આવ્યો. ચારે તરફ લોકોની મરણ પોંક જ સંભળાય રહી હતી. સૌરાષ્ટ્રના પેરીસ તરીકે ઓળખાતું મોરબી મસાણ નગરીમાં તબદીલ થઇ ચુક્યું હતું.
બીજે દિવસે સવારે સુરજનારાયણ ઉગતાની સાથે જ લોકોએ પોતાના પરીવારજનોની શોધખોળ શરૂ કરી પરંતુ શેરીઓમાં, કાદવમાં જ્યાં જોવો તો બસ મૃતદેહ જ મૃતદેહ મળી રહ્ય હતા લોકો પોતાના પરીવારજનો ગુમાવી દેતા ઘર પાસે હૈયાફાટ રુદન વાતવરણને બિહામણું બનાવી દિધું હતું.
ઠેર-ઠેર પૂરમાં હોમાઈ ગયેલી માનવ શબો પડ્યા હતા તો સૌથી મોટી ખુવારી અબોલ પશુઓની થઈ હતી. હજારોની સંખ્યામાં અબોલ જીવો આ પૂરમાં તણાયા હતા. જેમના મૃતદેહો કેટલાયે દિવસો સુધી શહેરની મુખ્ય ગલીઓ અને બજારોમાં પડ્યા રહ્યા હતા. ૧૧ ઓગસ્ટ ૧૯૭૯નો દિવસ આપણે ક્યારેય ન ભૂલી શકાય કુદરતની નિર્દયતા કહો કે, પછી માનવસર્જિત આફત કહો ત્રણ કલાકમાં જે બન્યું હતું તે તબાહી મચાવનારા દિવસને આજે ૪૫ વર્ષનો સમય વીતી ચૂક્યો છે પરંતુ હજુ મોરબીવાસીઓની આંખમાંથી એ દ્રશ્યો ભુલાતા નથી. તે દિવસને યાદ કરતા હજુ હજારો આંખો ચોધાર આંસુએ રડી પડે છે.
પરંતુ આ મોરબી શહેરની તાસીર કાંઈક જુદી જ છે કાળની થપાટો કે કુદરતી આફતો બાદ પણ ફરીને બેઠુ થયુ અને એટલું જ ફરીથી ધમધમતું થયું અને મોરબી વિશ્વ ફલક પર પોહચી ગયું. ઢેલડી નગરી તરીકે જાણીતું મોરબી આજે સિરામિક સિટી તરીકે દેશ વિદેશમાં ઓળખ ઉભી કરી છે ૧૦૦૦ થી વધુ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. હજારો લોકોને રોજગારી પુરી પાડી રહ્યું છે. સમયને સાથે યાદો પણ વિસરાઈ જતી હોય છે પરંતુ સમય આવ્યે તે ફરી તાજી પણ થતી હોય છે મચ્છુ જળ હોનારતની વર્ષી આવે છે ત્યારે પરિવારજનોની આંખમાં આંસું છલકાઈ જાય છે અને તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા શિવાય કશું જ નથી કરી શકતા.