ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી મેચ રમવામાં આવી રહી છે. પૂનાના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત માટે રોહિત શર્મા અને શિખર ધવનની અનુભવી જોડી મેદાન પર ઉતરી હતી પરંતુ તે ઇંગ્લેંડના બોલરોની આગળ ઝડપી શરૂઆત કરવામાં નિષ્ફળ ગઈ હતી. ટી -20 સિરીઝમાં જોરદાર જીત બાદ વનડેમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતની શરૂઆત અપેક્ષા મુજબ શરૂ થઈ ન હતી. રોહિત અને ધવનની જોડી મેદાન પર અનુકૂળ શૉટ લગાવી ન શકી. ઇંગ્લેન્ડના ઝડપી બોલરો માર્ક વુડ, સેમ કુર્ર્ન અને ટોમ કુર્ર્ને શાનદાર બોલિંગ કરીને ભારતને રન બનાવવાની તક આપી ન હતી. 2019 પછીથી ભારતીય ટીમની આ સૌથી ધીમી શરૂઆત હતી. પહેલા પાવરપ્લેમાં ભારતે કોઈ વિકેટ ગુમાવી ન હતી, પરંતુ રન પણ માત્ર 39 જ બન્યા. આ પહેલા ભારતે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં પણ રમ્યા બાદ સારી શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વનડેમાં ભારતે 10 ઓવરમાં 80 રન બનાવ્યા હતા, જોકે 3 વિકેટ પડી હતી. બીજી મેચમાં ટીમે 67 રન બનાવ્યા હતા અને બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્રીજી મેચમાં ભારતની શરૂઆત ધીમી હતી પરંતુ અહીં પણ 10 ઓવર પછી 49 રન થયા હતા. આ પહેલા ન્યૂઝીલેન્ડમાં ભારતે પાવરપ્લેમાં 55 રન બનાવ્યા હતા, જ્યારે બીજી મેચમાં ભારતીય ટીમ 59 રન બનાવી શકી હતી. ભારતે ત્રીજી અને અંતિમ મેચમાં 10 ઓવરમાં 56 રન બનાવ્યા હતા.