મોરબી તાલુકાની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
બાળકોમાં જીજ્ઞાસાવૃત્તિ વધે, વિજ્ઞાન પ્રત્યે રસ -રુચિ વધે, અંધશ્રદ્ધા દૂર થાય તેમજ બાળકો જાતે જ વિજ્ઞાનના પ્રયોગો કરતા થાય.તેવા આશય સાથે શાળાના આચાર્ય હરેશભાઈ ગોહેલની પ્રેરણા અને વિજ્ઞાન શિક્ષક મનહરલાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકાની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળા ખાતે શાળા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-2024 યોજવામાં આવ્યું હતું.
જેમાં ધોરણ 6 થી 8 ના બાળકો દ્વારા સ્માર્ટ સીટી, ગ્રીનહાઉસ, સોલાર ગામ, ચંદ્ર્યાન મોડેલ, હિટ સેન્સર, ઔષધિય વનસ્પતિઓ, દેશી કૂલર, જવાળામુખી, જાદુઈ કલા, એસિડ-બેઇઝના પ્રયોગો, પવનચક્કી, વોટર ફિલ્ટર, ચુંબક કાર, અન્ડર ગ્રાઉન્ડ રોડ, ગાણિતિક સૂત્ર અને ગાણીતિક કોયડાઓ જેવા વિવિધ પ્રકારના 25 જેટલા વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતોને સમજાવતી કૃતિઓ રજુ કરવામાં આવી હતી. બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરાયેલા આ વિવિધ પ્રકારના મોડલોને કુમાર પ્રા.શાળા, કન્યા પ્રા. શાળા તથા માધ્યમિક શાળાના બાળકો તેમજ વાલીઓએ પણ આ પ્રદર્શનને નિહાળ્યું હતું, તથા બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર પ્રદર્શનને સફળ બનાવવા શાળા સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. નિર્ણાયક તરીકે શાળાના ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષક અશોકભાઈ કાંજીયાએ જવાબદારી નિભાવી હતી.