મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહ દ્વારા મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર લગાવેલા આક્ષેપોને કારણે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર સંસદથી ઘેરાયેલી છે. સોમવારે આને કારણે સંસદના બંને ગૃહોમાં ભારે હંગામો થયો હતો. અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણાના પત્રથી હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. તેમણે આ પત્ર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને લખ્યો છે. આમાં તેમણે આરોપ લગાવ્યો છે કે લોકસભામાં સચિન વજેનો મામલો ઊઠાવવાને લીધે શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે તેમને ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે જો કોઈ મહિલા સંસદમાં સલામત નથી, તો તે મહારાષ્ટ્રમાં કેવી રીતે સુરક્ષિત રહેશે. તેણે એવો દાવો પણ કર્યો હતો કે આ પહેલા પણ તેને ફોન ઉપર અનેક વાર ધમકી આપવામાં આવી છે અને તેના પર હુમલો કરવાની વાત પણ કરવામાં આવી છે. જોકે શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે આ આરોપોને ખોટા ગણાવ્યા છે. સાવંતે એક ન્યૂઝ એજન્સીને કહ્યું છે કે તેણે રાણાને ધમકી આપી નથી. આ એક મોટું જૂઠાણું છે. હું તેમને ધમકી કેમ આપું? જો તે સમયે તેમની સાથે લોકો હાજર હોત, તો તેઓ કહી શકે કે શું મેં ધમકી આપી હતી કે નહીં ? તેની બોલવાની રીત અને બોડી લેંગ્વેજ બરાબર નહોતી. સાવંતે કહ્યું કે શિવ સૈનિકો મહિલાઓને ધમકાવતા નથી. આ દરમિયાન ભાજપના સાંસદ રમા દેવીએ કહ્યું કે નવનીત રાણાએ આ મુદ્દે તેમની સાથે વાત કરી છે. અરવિંદ સાવંત સાંસદ હોવાને કારણે આવી વાત ન કરવી જોઈએ. રાણાએ ઓમ બિરલાને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો હતો કે સાવંતે તેમને ધમકી આપી હતી કે, ‘હું જોઉં છું કે તું મહારાષ્ટ્રમાં કેવી રીતે ફરે છે અને હું તને પણ જેલમાં નાખીશ.’ રાણાએ કહ્યું કે અરવિંદ સાવંતે મારી સામે જે પ્રકારની ભાષા વાપરી છે તે મારું અને આખા દેશની મહિલાઓનું અપમાન છે. હું ઈચ્છું છું કે તેમની વિરુદ્ધ કડક પોલીસ કાર્યવાહી થાય.