મોરબી તાલુકાના વિવિધ પ્રશ્નો અંગે નિરાકરણ લાવવા તાલુકા ભાજપ પ્રમુખની પ્રાંત અધિકારીને રજૂઆત
મોરબી: મોરબી તાલુકાના વિવિધ પ્રશ્નો જેમ કે નવા બાંધકામ તથા મંજુરીવાળા બાંધકામ બાબતે નીયમો જાહેર કરે, વીજળી કનેકશન બાબતે પડતી મુશ્કેલી, ગામોમાં રોડ રસ્તાનું રીપેરીંગ કામ વગેરે જેવા પ્રશ્નો યોગ્ય કરવા બાબતે મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા દ્વારા મોરબી તાલુકા સંકલન અને ફરીયાદ નિવારણ સમિતિ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી છે.
મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા દ્વારા મોરબી તાલુકા સંકલન અને ફરીયાદ નિવારણ સમિતિ પ્રાંત અધિકારીને મોરબી તાલુકાના વિવિધ પ્રશ્નો બાબતે લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે સરકાર દ્વારા મોરબી નગરપાલીકાને મહાનગરપાલીકાનો દરજજો આપવા નિર્ણય થયેલ છે. મહાનગરપાલીકામાં સંભવિત સમાવિષ્ટ ૧૪ ગામો માટે નવા બાંધકામ તથા મંજુરી વાળા બાંધકામ બાબતે સ્પષ્ટ નિયમો જાહેર કરવામાં આવે. તેમજ મોરબી શહેરની આસપાસના ગામલોકોને જરૂરી પ્રાથમિક સુવિધા જેવી કે રહેણાંકમાં વિજળી કનેકશન જે હાલમાં આપવાના બંધ કરેલ છે. જેથી આ બાબતે પડતી મુશ્કેલી દુર કરવામાં આવે.
જ્યારે મોરબી શહેરની આસપાસના ગામોમાં છેલ્લા ૬ મહિના થી રહેણાંક મકાનની બેંક લોન (હોમ લોન) જે બેંક દ્વારા આપવાની બંધ કરવામાં આવેલ છે જેને નિયમાનુસાર ફરીથી શરૂ કરવામાં આવે. અને ચોમાસા દરમિયાન મોરબી તાલુકાના ગામોના તાલુકા મથકને જોડતા રોડનું સત્વરે સમારકામ (રીપેરીંગ) કરવામાં આવે. જેવા મોરબી તાલુકાના અનેક પ્રશ્નોનું નિવારણ લાવી યોગ્ય કરવામાં આવે તેવી મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા દ્વારા મોરબી તાલુકા સંકલન અને ફરીયાદ નિવારણ સમિતિ પ્રાંત અધિકારીને લેખિતમા રજૂઆત કરી છે.