મોરબી જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહની ઉજવણી કરાશે
મહિલાઓ તથા યુવતીઓને ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહની ઉજવણીમાં સહભાગી થવા ઉત્સાહભર્યું આમંત્રણ
મોરબી: મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ સુરક્ષા અને સ્વાસ્થ્યના સૂત્રને સાર્થક કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ ૧-૮-૨૦૨૪ થી તારીખ ૮-૮-૨૦૨૪ દરમિયાન ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે.
નારી શક્તિ માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઊભું કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરની મહિલા અને યુવતીઓને આ અભિયાનમાં સહભાગી બનાવવામાં આવે છે. જે અંતર્ગત મોરબી જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા પહેલી ઓગસ્ટના રોજ મહિલા સુરક્ષા દિવસ, બીજી ઓગસ્ટના રોજ બેટી બચાવો બેટી પઢાવો, ત્રીજી ઓગસ્ટના રોજ મહિલા સ્વાવલંબન દિવસ, પાંચમી ઓગસ્ટના રોજ મહિલા નેતૃત્વ દિવસ, છઠી ઓગસ્ટના રોજ મહિલા કર્મયોગી દિવસ, સાતમી ઓગસ્ટના રોજ મહિલા કલ્યાણ દિવસ, આઠમી ઓગસ્ટના રોજ મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે.
આ તમામ દિવસોની ઉજવણીમાં પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, આઈ.સી.ડી. એસ. વિભાગ, જિલ્લા ઉદ્યોગ વિભાગ, જિલ્લા રોજગાર અને તાલીમ વિભાગ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, શ્રમ અને રોજગાર વિભાગ સહિતના જિલ્લાના વિવિધ વિભાગો સહભાગી થશે જેમાં મોરબી જિલ્લાની મહિલાઓ અને યુવતીઓને બહોળા પ્રમાણમાં નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણીના દિવસોમાં સહભાગી થવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર, તથા મહિલા અને બાળ અધિકારી મોરબીની અખબારી યાદીમાં જણાવ્યું છે.