વાંકાનેરના ભેરડા ગામે બેલાની ખાણમાં કામ કરતાં યુવાન પર વિજળી પડતાં મોત
વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમમાં આવેલ એક ખાણમાં કામ કરતા યુવાન પર અચાનક આકાશી વીજળી પડતાં યુવાનને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર પંથકમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સાંજના વરસાદી માહોલ હોય છે, ત્યારે ગઇકાલે સાંજે છ વાગ્યાની આસપાસ વાંકાનેરના ભેરડા ગામે આવેલ હમીરભાઈ અમરશીભાઈની ખાણમાં કામ કરતાં વિરેન્દ્ર ઉમાશંકર યાદવ (ઉ.વ. 35) નામના યુવાન ઉપર આકાશી વીજળી પડતાં યુવાનને તાત્કાલિક સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હોય જેને તપાસી ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો, જેથી આ બનાવની ગામના તલાટી મંત્રી દ્વારા વહીવટી તંત્ર તથા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.