આજથી ગૌરી વ્રતનો પ્રારંભ: બાલિકાઓ શિવ-પાર્વતીના આશીર્વાદ મેળવશે
મનપસંદ વર મેળવવા કુંવારિકાઓ કરે છે આ વ્રત
ગૌરી વ્રત સામાન્ય રીતે 6 વર્ષથી 14 વર્ષ સુધીની ઉંમરની બાળાઓ કરતી હોય છે. કન્યાઓ બાળપણથી વ્રતનું અને ઉપવાસનું મહત્વ સમજે તે માટે તેમને આ વ્રત કરાવવામાં આવે છે. પ્રચલિત માન્યતા અનુસાર દેવી પાર્વતીએ પણ આ વ્રત કર્યું હતું.
ગૌરી વ્રતને મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ વ્રતમાં અલૂણા ઉપવાસ કરવાની પરંપરા છે. એટલે કે આ વ્રતના પાંચ દિવસ સુધી કન્યાઓ મીઠાંવાળુ ભોજન ગ્રહણ નથી કરતી. સવિશેષ મહત્વની વાત એ છે કે આ વ્રત ગુજરાતમાં જ જોવા મળે છે.
ગૌરી વ્રત સામાન્ય રીતે 6 વર્ષથી 14 વર્ષ સુધીની ઉંમરની બાળાઓ કરતી હોય છે. કન્યાઓ બાળપણથી વ્રતનું અને ઉપવાસનું મહત્વ સમજે તે માટે તેમને આ વ્રત કરાવવામાં આવે છે. તો પ્રચલિત માન્યતા એવી છે કે આ વ્રતના પ્રભાવથી સમય આવ્યે કુંવારી કન્યાને મનના માણીગરની પ્રાપ્તિ થાય છે.
દેવી પાર્વતીનું એક નામ ગૌરી પણ છે. પ્રચલિત કથા અનુસાર દેવી ગૌરીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે અનેક વ્રત અને તપ કર્યા હતા. ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત પણ તેમાંથી જ એક મનાય છે. કહે છે કે આ વ્રતના પ્રતાપે જ માતા પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ત્યારથી જ કુમારિકાઓ પણ મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રતો કરતી આવી છે.
પહેલાં સળંગ પાંચ વર્ષ સુધી ગૌરી વ્રત અને ત્યારબાદ સળંગ પાંચ વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાની પ્રણાલી છે. અલબત્, શાસ્ત્રોમાં તો સળંગ 20 વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાનું વિધાન છે. જેમાં પ્રથમ પાંચ વર્ષ જુવાર ખાઈને, બીજા પાંચ વર્ષ જવ ખાઈને, ત્રીજા પાંચ વર્ષ ચોખા ખાઈને અને છેલ્લાં પાંચ વર્ષ માત્ર મગ ખાઈને વ્રત કરવામાં આવતું. આજે પાંચ વર્ષ બાદ જ વ્રતની ઉજવણી કરી લેવામાં આવે છે.
ગૌરી વ્રતમાં જવારાની પૂજાનો સવિશેષ મહિમા છે. વાસ્તવમાં આ જવારા એ પાર્વતી સ્વરૂપ જ મનાય છે ! સાથે જ તે સુખ, સમૃદ્ધિનું પણ પ્રતિક છે. પહેલાંના સમયમાં વ્રત માટે અષાઢ સુદ પાંચમે ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા તેમજ અક્ષત એમ સાત પ્રકારના ધાનને છાણીયું ખાતર નાંખેલી માટીમાં વાવવામાં આવતા. તેમાં રોજ જળનું સિંચન કરાતું. અષાઢી સુદ એકાદશી આવતા આ જવારા ખીલી ઉઠતા. અષાઢ મહિનો એ વરસાદનો અને હરિયાળીનો મહિનો મનાય છે. કન્યાઓ ધાન્યનું, ખેતીનું મહત્વ સમજે તે દૃષ્ટિએ પણ જવારાની પૂજા કરવામાં આવે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે