વિશ્વાસઘાત: વરમોરા કંપનીની મંજૂરી વગર હોટલ/ટ્રાવેલ ટીકીટ બુક કરી 10 લાખની છેતરપીંડી
વાંકાનેર: વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ વરમોરા ગ્રેનીટો પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં એડમીન એક્ઝીકયુટીવે મેક માય ટ્રીપ ઓનલાઇન ટ્રાવેલ્સ નામની વેબસાઇટ/ એપ્લિકેશનમા વરમોરા કંપનીનું એકાઉન્ટ બનાવી કંપનીની મંજૂરી વગર ૩૭ હોટલ/ટ્રવેલ ટીકીટ બુકિંગ કરી ૧૦,૪૩,૬૦૬ રૂપીની છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં કંપનીઓ સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાતના બનાવ અવર નવર સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક છેતરપીંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં રાજકોટના વિશ્વનગર -૨ મવડી વિસ્તાર માલવીયા પોલીસ સ્ટેશન પાછળ રહેતા મુકુંદભાઈ તુલસીભાઈ સંચાણીયા (ઉ.વ.૪૩) એ આરોપી અવીનાશ અશોકભાઈ વાઘેલા (ઉ.વ.૨૯) રહે. ડુંગરપુર સરદારનગર નવાપાતાપુર તા.જી. જુનાગઢવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી અવિનાશ અશોકભાઇ વાઘેલા વરમોરા પ્રા.લી. કંપનીમાં એડમીન એક્ઝીકયુટીવ તરીકે ફરજ બજાવતા હોઇ અને કંપનીએ આરોપી પર વિશ્વાસ મુકી હોટલ/ટ્રાવેલ્સ બુકીંગ કરવા માટે અગત્યની જવાબદારી સોંપેલ હોઇ અને કંપની દ્વારા મેક માય ટ્રીપ(MMT) ઓનલાઇન ટ્રાવેલ્સ નામની વેબસાઇટ/ એપ્લીકેશનમાં વરમોરા કંપનીનું એકાઉન્ટ બનાવી તેના યુઝર નેમ પાસવર્ડ એડમીન એક્ઝીકયુટીવ તરીકે આરોપી અવિનાશ વાઘેલા પાસે રહેતા હોય .
જેથી આરોપીએ કંપનીની મંજુરી વગર અલગ અલગ કુલ-૩૭ હોટલ/ટ્રાવેલ ટીકીટ બુંકીંગ કરી કી.રૂ. ૧૦,૪૩,૬૦૬/- ની રકમની ચુકવણી મેક માય ટ્રીપના વરમોરા કંપનીના વોલેટમાંથી ચુકવતા કંપનીએ તેમને સોંપેલ અગત્યની ફરજમાં કંપનીનો વિશ્વાસ તોડી પોતાના અંગત આર્થિક લાભ સારૂ કંપનીની મંજુરી સિવાયના હોટલ/ટ્રાવેલ્સ ટીકીટ બુકીંગ કરી કંપની સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.