વાંકાનેરના ગારીડા ગામ નજીક ટ્રક પાછળ ટાટા નેક્સોન કાર અથડાતાં ચાર યુવાનો ઇજાગ્રસ્ત
વાંકાનેર બાઉન્ડ્રી બાજુ જમવાઆટે જતાં વાંકાનેરના યુવાનોને રસ્તામાં અકસ્માત નડ્યો, અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો
વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીક હોટલ તિરથ સામેથી પસાર થતી એક ટાટા નેક્સન કારની આગળ જતાં ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતાં કાર ધડાકાભેર ટ્રક પાછળ અથડાઇ હતી, જેમાં પાછળથી આવતા અન્ય એક ટ્રક ચાલકે પણ કારને પાછળથી ઠોકર મારી હતી, જેમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં બેઠેલા ચાર યુવાનોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ હાલ આ બનાવમાં અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા ફરિયાદી દર્શનકુમાર રાજેશકુમાર મેર (ઉ.વ. ૨૩) એ વાંકાનેર તાલુકા પોલીસમાં અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી તથા તેમના મિત્ર સ્વપ્નીલ વોરા, હાર્દિક ધામેચા અને અજીમુદ્દીન હાલા એમ ચારેય મિત્રો વાંકાનેર બ્રાઉન્ડ્રી તરફ પોતાની ટાટા નેક્સન કાર નં. GJ 36 AF 0443 લઈને જમવા માટે જતાં હોય ત્યારે ગારીડા ગામ નજીક હોટલ દર્શન સામેથી પસાર થતા હોય ત્યારે આગળ જતાં એક અજાણ્યા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતાં ફરિયાદીની કાર ધડાકાભેર ટ્રક પાછળ અથડાઇ હતી તથા પાછળ આવતા અન્ય એક ટ્રક ચાલકે પણ ફરિયાદીની કારને પાછળથી ઠોકર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચારેય યુવાનોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ હાલ આ બનાવમાં પોલીસે યુવાનની ફરિયાદ પરથી અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.